આસો મહિનાની શુક્લપક્ષની બારસના દિવસથી જ દિવાળીના દિવસોની શરૂઆત થઇ જાય છે. એક અનોખા ઉજાસભર્યા દિવસોની શરૂઆત વાઘબારસથી થાય છે. દિવાળીના ત્રણ દિવસ પહેલા વાઘબારસ ઉજવાય છે. આ દિવસે જાણે નવા ઉમંગભર્યા દિવસો આવ્યાની અનૂભૂતિ થાય છે. વાઘબારસનું મહત્વ ગુજરાતમાં વધુ છે. વાઘબારસને ગૌવત્સ દ્વાદશીના નામે પણ ઓળખાય છે અને આથી આ દિવસે ગાય અને તેના વાછરડાની પણ પૂજા થાય છે. લોકો પોતાના પાલતુ પ્રાણીઓના શીંગ રંગે છે.
આ સાથે જ આ વખતે સંયોગથી વાઘબારસ અને ધનતેરસનો પર્વ એક જ દિવસે છે. આજે ધનતેરસનો પણ પર્વ સાથે છે. આયુર્વેદના દેવ ધન્વંતરી ભગવાનનો દિવસ એટલે ધનતેરસ, ધનતેરસના દિવસે લોકો લક્ષ્મીજીની પૂજા કરતાં હોય છે. ઉપરાંત લોકો ભગવાન વિષ્ણુની પણ પૂજા કરતા હોય છે. ધનતેરસના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા-અર્ચના અને આરાધના કરવાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કરવા માટે લક્ષ્મીકમલા મંત્રનો પ્રયોગ કરવો જોઈએ આ મંત્રના કારણે આર્થિક લાભ, નોકરી અને વ્યવસાયમાં પણ ઉન્નતી થાય છે. લક્ષ્મીજીની સાથે ભગવાન કુબેરની પણ પૂજા અર્ચના કરવાથી વેપાર-ધંધામાં સફળતા મળે અને નોકરિયાત વર્ગને પ્રગતી પ્રાપ્ત થાય છે.
આજના દિવસે વેપારીઓ પોતાના જુના ચોપડાના હિસાબોને પૂર્ણ કરીને નવા ચોપડાનું શારદાપુજન કરે છે. ત્યારબાદ ત્રણ દિવસ સુધી કોઈ પણ પ્રકારની લેવડ દેવડ નથી થતી. અને ત્યાર બાદ નવા વર્ષે નવા ચોપડા ખરીદીને પૈસાની લેવડ દેવડ ચાલુ કરે છે. ભગવાન વિષ્ણુનો અવતાર એવા ભગવાન ધન્વંતરિની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે ધનતેરસના દિવસે. હિન્દુ સંસ્કૃતિની વાત કરવામાં આવે તો, ધનતેરસના દિવસે લોટમાંથી બનાવેલ દિપક પ્રગટાવવાનું ખાસ મહત્વ રહેલું છે.