ઓડિશાઃ સમગ્ર દેશમાં લૉકડાઉનની વચ્ચે પોતાના ઘરે પરત ફરવા માટે મહારાષ્ટ્રમાં સ્થળાંતર કરનારા મજૂર તરીકે કામ કરતા 20 વર્ષના યુવક મહેશ જેનાએ સાયકલ દ્વારા પોતાના ઘરે પહોંચવાનો નિર્ણય કર્યો હતો. તે સાંગલીની એક ફેક્ટરીમાં કામ કરતો હતો. જે કોરોના વાઇરસ ફાટી નીકળવાથી લૉકડાઉનને લીધે બંધ કરવામાં આવી છે. ફેક્ટરીના માલિકે આ કામદારને માહિતી આપી હતી કે, ફેક્ટરી પાંચ મહિના સુધી બંધ રહેશે.
દેશમાં લૉકડાઉનને કારણે જૂદા-જૂદા ભાગોમાં હજારો સ્થળાતંરિત મજૂરોએ પોતાની નોકરી ગુમાવી છે અને મુશ્કેલીના સમયે પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. એવામાં મહેશે પણ પોતાના ઘરે પરત ફરવાનો નિર્ણય કર્યો અને સાયકલ પર 1800 કિમીનું અંતર કાપ્યું હતું.

મહેશે થોડા મહિના પહેલા જ સાયકલ ખરીદી હતી અને તેથી જ તેણે વિચાર્યું કે, નોકરી વગર રહેવા કરતા ઘરે પરત ફરવું જોઇએ અને બસ તે સાયકલ પર નીકળી ગયો. તેણે વિચાર્યું કે, મહારાષ્ટ્રથી ઓડિશા પોતાના ઘરે પરત ફરવા લગભગ 10થી 12 દિવસનો સમય લાગશે પરંતુ આ અંતર તેણે 8 દિવસમાં જ કાપ્યું અને ઘરે પહોંચ્યો.
તેની મુસાફરી દરમિયાન તેને પોલીસ દ્વારા બે કે ત્રણ સ્થળોએ અટકાવવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ તેને સાયકલ પર જવાની છૂટ મળી હતી. એક મંદિર અથવા રસ્તાની આજૂ-બાજૂમાં કોઇ ઢાબા પર તે આરામ કરતો હતો અને NGO દ્વારા જૂદા-જૂદા સ્થળોએ ખોરાકની વ્યવસ્થા પણ મળી રહેતી હતી.
જ્યારે તે જાજપુર જિલ્લામાં પહોંચ્યો, ત્યાં તેની પ્રાથમિક તપાસ કર્યા બાદ તેને બિચિત્રા પુરની એક શાળામાં ક્વોરેન્ટાઇન રાખવામાં આવ્યો છે. 14 દિવસના ક્વોરેન્ટાઇન બાદ તે પોતાના પરિવાર પાસે જવાની આશા રાખી રહ્યો છે.