ચેન્નાઈઃ દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કાલે 21 દિવસ પુરા થવા જઈ રહ્યાં છે, ત્યારે વડાપ્રધાન મોદી 14 એપ્રિલે સવારે 10 વાગ્યે દેશને સંબોધશે. જો કે, પંજાબ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, તેલંગાણા, બંગાળ અને હવે તમિલનાડુ પણ આ લોકડાઉનને 30 એપ્રિલ સુધી વધારવાનો નિર્ણય કરી ચૂક્યાં છે.
દેશમાં મહારાષ્ટ્ર બાદ તમિલનાડુમાં ગંભીર હાલત છે. જેથી ત્યાંની રાજ્ય સરકારે પણ 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવ્યું છે. તમિલનાડુના રાજ્યપાલ બાંવરિલાલ પુરોહિત અને મુખ્યપ્રધાન કે પલાની સ્વામીએ સોમવારની પૂર્વસંધ્યાએ તમિલના નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી.
કોરોના વાઇરસને રોકવા માટે સરકાર દ્વારા લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન તામિલોનો આ મુખ્ય તહેવાર છે. રાજ્યપાલ અને મુખ્યપ્રધાને લોકોને નવા વર્ષની શુભચ્છા પાઠવતા કોરોના સામે લડવા માટે સરકારનો સાથ આપવાની વાત કરી હતી. મુખ્યપ્રધાન કે પલાની સ્વામીએ સોમવારની પૂર્વસંધ્યાએ તમિલોના નવા વર્ષની શુભેચ્છા પાઠવ્યાં બાદ લોકડાઉનને 30 એપ્રિલ સુધી લંબાવવાની જાહેરાત કરી હતી.
બીજી બાજુ દેશમાં પાંચ રાજ્યોએ લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે 4 કલાક સુધી વીડિયો કોન્ફરન્સિંગથી વાતચીત કરી હતી. આ બેઠક બાદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો હતો.