- કઈ વાતને લઈને આંદોલન થઈ રહ્યું છે તેના પર બધા મૌન છેઃ રાજ્યસભામાં વડાપ્રધાન મોદી
- ક્યારેય એમ કહ્યું નથી કે MSP સમાપ્ત થઈ રહ્યું છેઃ ટિકૈત
- ટિકૈતની માંગઃ MSP પર કાયદો હોવો જોઈએ
નવી દિલ્લીઃ રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પછી ભારતીય કિસાન સંઘના આગેવાન રાકેશ ટિકૈતે ગાજીપુર બોર્ડર પર પત્રકાર પરિષદ કરી હતી. વડાપ્રધાને રાજ્યસભામાં કહ્યું હતું કે MSP હતું, MSP છે, અને રહેશે. આ અંગે પ્રતિક્રિયા આપતાં ટિકૈતે કહ્યું હતું કે ખેડૂતો ફસાઇ રહ્યા છે, તેમણે ક્યારેય એમ કહ્યું નથી કે MSP સમાપ્ત થઈ રહ્યું છે, તેમની માગ છે કે MSP પર કાયદો હોવો જોઈએ. જો MSP પર કાયદો બનાવવામાં આવે તો દેશના ખેડૂતોને ફાયદો થશે. MSP પર કાયદો નથી, આ કિસ્સામાં વેપારીઓ ખેડૂતોને લૂંટી રહ્યા છે.
આજકાલ દેશમાં આંદોલનકારી નામના નવા ભાઈચારાનો જન્મ થયોઃ વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજકાલ દેશમાં આંદોલનકારી નામના નવા ભાઈચારાનો જન્મ થયો છે. તેના પર ટિકૈતે કહ્યું કે વડાપ્રધાને યોગ્ય કહ્યું છે. ખેડૂત બિરાદરો આંદોલન કરી રહ્યા છે અને તેમની સાથે સામાન્ય જનતા પણ ઉભી છે. વધુમાં ટિકૈતે કહ્યું હતું કે, જો સરકાર ખેડૂતોની સમસ્યાઓના નિરાકરણ માટે ખેડૂતો સાથે વાત કરવા માંગતી હોય તો કિસાન સંયુક્ત એકતા મોરચો સરકાર સાથે વાત કરવા તૈયાર છે. તેઓ સરકાર સાથે વાત કરવા માગે છે.