કરીમગંજઃ આસામ રાજ્યના કરીમગંજ જિલ્લામાં એક ચાના બગીચામાં ભીડે ત્રણ શંકાસ્પદ બાંગ્લાદેશી પશુચોરોને માર માર્યો હતો. આ ઘટનામાં ત્રણેય શખ્સોના મોત થયા હતા. પોલીસે રવિવારે આ વાતની જાણકારી આપી હતી. હાલ મૃતકોની ઓળખ થઇ શકી નથી.
પોલીસના જણાવ્યા અનુસાર, પશુચોરોનું એક ટોળું શનિવારની રાત્રે ભારત-બાંગ્લાદેશની સીમા પાર કરીને બોગરીજાન ચાના બગીચામાં પ્રવેશ કર્યો હતો. આ વિસ્તાર સીમાથી લગભગ દોઢ કિલોમીટર દૂર છે.
બાંગ્લાદેશી પશુચોરોએ ચાના બગીચાના એક મજૂરની ત્યાથી ઢોર ચોરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, મજૂરે બુમાબુમ કરતા આસપાસના લોકો એકઠા થયા હતા અને પશુચોરો ઉપર હુમલો કર્યો હતો.
આ ઘટનમાં 4 શખ્સો ફરાર થયા હતા અને ત્રણ લોકોને સ્થાનિકોએ માર મારતા તેમનું ત્યાં જ મોત થયું હતું.
પોલીસે કહ્યું કે, આ ઘટના અંગે તપાસ શરૂ છે અને કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી. વધુમાં તેમણે કહ્યું કે, મૃતદેહ પાસેથી બિસ્કીટ અને બ્રેડના કટકા મળ્યા છે, જે બાંગ્લાદેશી બનાવટના છે. આ સિવાય દોરડું તેમજ તાર કાપવમાં માટેના સાધનો પણ મળ્યા હતા.