ભોપાલઃ કૃષિ બિલ એ હાલમાં ચર્ચાનો વિષય બન્યું છે. બુધવારે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કૃષિ બિલ અંગે વાત કરતા કહ્યું કે, આ બિલથી ખેડૂતોની આવક બમણી થઈ જશે. જે લોકો કૃષિ બિલનો વિરોધ કરી રહ્યા છે તે તમામ લોકો ખેડૂતોના દુશ્મન છે અને ખેડૂતોનો ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ સાથે જ શિવરાજસિંહે નરેન્દ્ર મોદીને ખેડૂતોના ભગવાન કહ્યા હતા.
વિપક્ષ પર પ્રહાર કરતા શિવરાજસિંહે જણાવ્યું કે, કૃષિ બિલનો વિરોધ કરનારી વિપક્ષી પાર્ટીઓને અન્નદાતાઓની જરાય ચિંતા નથી. તેઓ ખેડૂતોને ભ્રમિત કરીને ગેરમાર્ગે દોરે છે. પરંતુ તેમનો પ્રયાસ સફળ નહીં થાય. જો કોઈ નિકાસકાર ખેડૂતો પાસેથી ઘઉં અને અનાજ સારા ભાવમાં ખરીદે તો વચેટિયાઓની કોઈ જરૂર નહીં રહે. જ્યારે વિપક્ષી પાર્ટીઓ વચેટિયાઓના સમર્થનમાં હોય તેવું લાગી રહ્યું છે. આ બિલને લઈને વિપક્ષો વડાપ્રધાન નહીં પરંતુ ખેડૂતોનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે જ આ ત્રણ બીલ લાવવામાં આવ્યા છે. ખેડૂત પોતાના પાકને ક્યાંય પણ વેંચી શકશે, પરંતુ આનાથી વિપક્ષને શું વાંધો છે તે સમજાઈ નથી રહ્યું. જૂઠ્ઠું બોલવું અને લોકોને ભ્રમિત કરવા એ કોંગ્રેસના લોહીમાં છે. નરેન્દ્ર મોદીનું નામ સાંભળતા વિપક્ષ સપનામાં પણ ચોંકી ઊઠે છે અને વિરોધ કરવા લાગે છે. વિપક્ષોનો કૃષિ બિલ અંગેનો વિરોધ ખેડૂતો સહન નહીં કરે. કારણ કે, આ તમામ કૃષિ બિલો ખેડૂતોના હિતમાં છે.