ભારતના નેશનલ સાઇબર સિક્યોરિટી ઓફિસર, લેફ્ટનન્ટ જનરલ રાજેશ પંતના જણાવ્યા પ્રમાણે, છેલ્લા બે મહિનામાં કોરોના વાઇરસના નામે ચાર હજાર કરતાં વધુ છેતરામણાં પોર્ટલ્સ બનાવવામાં આવ્યાં છે. સાઇબર ક્રિમિનલો દ્વારા કોરોના કેર અને નકલી સારવાર વિશે લાખો નાગરિકોને રોજિંદા ધોરણે ઇ-મેઇલ્સ પાઠવવામાં આવે છે, તેને પગલે અમેરિકા અને બ્રિટનની સરકારો તેમના નાગરિકોને આવી લોભામણી જાહેરાતોમાં ન ફસાવા માટે અને તેનાથી સંભાળવા માટે ચેતવી રહી છે. અમેરિકન ગુપ્તચર સંસ્થા એફબીઆઇ જણાવે છે કે, કોવિડના પ્રચલનને પરિણામે, સાઇબર ક્રાઇમમાં ચારગણો વધારો થયો છે. યુરોપિયન યુનિયનનાં પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને નિવેદન આપ્યું હતું કે, સાઇબર ક્રિમિનલ્સ ઘરોમાં કેદ થઇ ગયેલા નાગરિકોના ભયને નફાકારક તકોમાં પરિવર્તિત કરવાનો વધુને વધુ પ્રયત્ન કરી રહ્યા છે. આ નિવેદન પરિસ્થિતિની ગંભીરતા સૂચવે છે. 35 દેશોના ત્રણ હજાર કરતાં વધુ સિક્યોરિટી પ્રોફેશનલ્સે સાઇબર ક્રિમિનલ્સ વિરૂદ્ધ સંયુક્ત લડત આદરી છે, ત્યારે સ્થાનિક સ્તરે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાની વ્યૂહરચના તૈયાર કરવી જરૂરી છે! ત્રણ વર્ષ પહેલાં, સાઇબર ક્રિમિનલ્સ દ્વારા 'Wanna Cry'ના નામે શરૂ કરવામાં આવેલા આતંકી હુમલાએ 175 કરતાં વધુ દેશોને પોતાની ઝપેટમાં લીધા હતા. તેને પગલે રશિયા, યુક્રેઇન, અમેરિકા, જર્મની, જાપાન અને દક્ષિણ કોરિયામાં સાઇબર ક્રિમિનલ્સ દ્વારા લાખો ડેબિટ કાર્ડ્ઝના ડેટાની ચોરીના અહેવાલો પ્રકાશમાં આવ્યા છે. તે સમયે, કેન્દ્રની ઘણી વેબસાઇટ્સ સાઇબર એટેકનું નિશાન બની હતી. લોકડાઉનને કારણે, વિવિધ કંપનીઓના કર્મચારીઓ ઘરે રહીને તેમની ફરજ બજાવે છે. એ સાચું છે કે, ઘરના કમ્પ્યુટર તથા લેપટોપમાં ઓફિસનાં ઉપકરણો જેવી આવી ઇન્ફર્મેશન સિક્યોરિટી હોતી નથી. એપનો ઉપયોગ કરવામાં જરા અમથી લાપરવાહી કે ચૂકને પગલે અથવા તો કે પછી ફિશિંગ લિંક પર ક્લિક કરવાથી સાઇબર ક્રિમિનલો મહત્વની ઇન્ફર્મેશન સુધી પહોંચી શકે છે. સાઇબર ક્રિમિનલ્સે ઝૂમ વિડિયોના ઉપયોગથી બે કમ્પ્યુટર પ્રોફેશનલ્સનાં કમ્પ્યુટરો ગેરકાયદેસર રીતે હેક કરીને બિટ કોઇનના માર્ગે મોટી રકમની માગણી કરી હોવાનો કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે.
કોરોના વાઇરસ માલવેરની મદદથી, સાઇબર ક્રિમિનલ્સ પીડિતોનાં કમ્પ્યુટર તથા સ્માર્ટફોનમાંથી મહત્વની માહિતી મેળવી રહ્યા છે અને તેમનાં બેંકનાં ખાતાં તરત જ ખાલીખમ થઇ જાય છે. ‘ધી પ્રાઇમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઇમર્જન્સી સિચ્યુએશન ફંડ’ (પીએમ કેર્સ ફંડ)થી સ્હેજ જુદી પડતી, તેના જેવી જ દેખાતી લિંકનો તાજેતરમાં રાફડો ફાડ્યો છે, જે સાઇબર ગેંગના પરાક્રમનો બોલતો પુરાવો છે! સાઇબર ક્રિમિનલ્સની મોહજાળ તરફ આકર્ષાતા અને તેમણે મોકલેલી લિંકને લોકડાઉન સમાપ્ત થાય, ત્યાં સુધી વિના મૂલ્યે ફિલ્મો જોવાની કે મોબાઇલ ફોનના ફ્રી રિચાર્જ મેળવવાની આશાએ બીજા લોકોને ફોરવર્ડ કરતા નિર્દોષ લોકો અન્ય ઘણાં નિર્દોષ લોકોને આ જાળમાં ફસાવે છે. આ સાઇબર ટેરરિઝમને સરકાર દ્વારા સાઇબર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરીને અટકાવી શકાય છે. આ દરમિયાન, નેટિઝન્સે નુકસાન ઘટાડવા માટે વ્યક્તિગત સુરક્ષાનાં પગલાંઓનું અનુસરણ કરવું જોઇએ.