લોકસભા ચૂંટણીના પરિણામ માટે થનારી મતગણતરી દરમિયાન હિંસાની શક્યતાઓ વર્તાતા ગૃહ મંત્રાલયે બધા રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યુ છે. મંત્રાલયનું કહેવું છે કે, ગુરુવાર 23 મેના રોજ મતગણતરી દરમિયાન હિંસાની શક્યતાઓ છે. એટલા માટે તમામ રાજ્યોએ સાવચેતી રાખવાની જરૂરત છે.
ઈલેક્ટ્રોનીક વોટીંગ મશીન (EVM) અંગે દેશમાં ભારે ખેંચતાણ ચાલુ છે. કેટલાક નેતાઓએ તો પરિણામ યોગ્ય ન આવતા ખૂન-ખરાબાની ધમકીઓ આપી દીધી છે. તેવામાં કાઉંન્ટિગ દરમિયાન સુરક્ષા પર વધુ ધ્યાન આપવાની જરૂરત છે.
![hd](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3355014_hdhd.jpg)
ગૃહ મંત્રાલયે જાહેર કર્યુ એલર્ટ
આ ઉપરાંત, કેટલાક જૂથો દ્વારા હિંસા ફેલાવનાર નિવેદનોને ધ્યાને રાખી તમામ રાજ્યોના કાઉન્ટિંગ સ્થળ અને EVM સ્ટોંગ રૂમની સુરક્ષા વધારવાના પુરતા પગલાં લેવાનું જણાવાયું છે. આ સાથે જ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને કાનૂન અને વ્યવસ્થા અને શાંતિ જાળવી રાખવા માટે જણાવ્યું છે. બધા રાજ્યોના મુખ્ય સચિવ અને પોલીસ વડાઓને ચેતવણી આપવામાં આવી છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ હિંસા પશ્ચિમ બંગાળ રાજ્યમાં જોવા મળી હતી. જ્યાં દરેક ચરણના મતદાન દરમિયાન કોઈને કોઈ ઘટના બની છે. અહીં સેનાના જવાનો હાજર હોવા છતાં મોટાપાયે હિંસા થઈ છે.