વર્ષ 1995ના નાગરિકતા કાયદા મુજબ જે લોકો ભારતમાં કોઈ પણ પ્રકારના દસ્તાવેજ વગર ઘૂસ્યા છે, તેઓને ભારતમાં ગેરકાયદે માનવામાં આવશે. અને તેમને નાગરિકતા આપવામાં આવશે નહીં. જોકે નવા સંશોધન મુજબ ભાગલા પહેલાંના ભારત, જેવાં કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા લઘુમતિઓને શરણાર્થીઓનો દરજ્જો આપવામાં આવશે. આ નવા સંશોધન બાદ આ પ્રકારના લોકોને ગેરકાયદે માનવામાં નહીં આવે, અને તેઓ ભારતીય નાગરિકતા માટે આવેદન કરી શકશે.
ઉપરોક્ત ત્રણ ઈસ્લામિક દેશમાંથી આવનારા લઘુમતિઓ હિન્દૂ, શિખ, જૈન, ઈસાઈ, બૌદ્ધ અને પારસી ધર્મના લોકો ભારતીય નાગરિકતા માટે આવેદન કરી શકશે. ઉલ્લેખનીય છે કે, આ ત્રણ દેશમાંથી આવનારા મુસલમાનોનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. અને તે ભારતીય નાગરિકતા માટે આવેદન કરી શકશે નહીં. જેના પાછળનો ઉદ્દેશ્ય છે કે, ત્યાંના મુસલમાનોને તેમના દેશમાં ધાર્મિક ઉત્પિડનનો સામનો કરવો પડ્યો નથી અને તેઓ ભારતમાં વધુ સારા જીવનધોરણ માટે આવ્યા છે. આ કાયદાનો એ જ ઉદ્દેશ્ય છે.
- દાયકાઓ જૂની છે સમસ્યા...
પોતાના દેશમાંથી અન્ય દેશમાં જે લોકો વધુ સારા જીવનધોરણની શોધમાં જાય છે તેને પ્રવાસી કહેવામાં આવે છે. અને જે લોકો પોતાના દેશમાં અશાંતિ અથવા ખરાબ સ્થિતિને કારણે ત્યાંથી પલાયન કરે છે તેમને શરણાર્થી કહેવામાં આવે છે. વર્ષ 1947માં દેશના ભાગલા પડ્યા બાદ અંદાજે 1.5 કરોડ લોકોએ બન્ને સરહદો પરથી ભારતમાં પ્રવેશ કર્યો હતો. જેમાં 1.2 કરોડ લોકો ભારતની પશ્ચિમ સરહદેથી જ્યારે 42 લાખ લોકો પૂર્વ સરહદથી ભારતમાં શરણાર્થી તરીકે પ્રવેશ્યા હતા.
વર્ષ 1959ની તિબેટ ક્રાંતિ બાદ લગભગ 80 હજાર લોકોએ ભારતમાં આશ્રય લીધો હતો. એટલું જ નહીં બૌદ્ધ ગુરુ અને તિબેટના ધર્મગુરુ 14મા દલાઈ લામાએ ખુદ ભારતમાં આશ્રય લીધો હતો. 1972માં યુગાંડામાં તણાવ બાદ કેટલાંક ભારતીયો પરત આવ્યા હતા. આ ઉપરાંત શ્રીલંકામાં ગૃહ યુદ્ધને કારણે એક લાખથી વધુ તમિલ શરણાર્થીઓએ ભારતમાં આશ્રય મેળવ્યો હતો. જોકે આ શરણાર્થીઓને કારણે ભરતમાં કોઈ સમસ્યા સર્જાઈ નથી. તકલીફ તો ભારતમાં ગેરકાયદે રહેનારા લોકોથી છે.
1947માં ભારતના ભાગલા થયા તે સમયે પશ્ચિમ સરહદે રહેતા લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, કારણકે એ સમયે પલાયન ધાર્મિક આધાર પર થઈ રહ્યું હતું. જ્યાં એક તરફ હિન્દૂ અને શીખ લોકોએ ભારતમાં આવવાનું પસંદ કર્યું તો મોટી સંખ્યામાં મુસલમાનોએ નવા બનેલા દેશ પાકિસ્તાનમાં જવાનું પસંદ કર્યું. જોકે પૂર્વ સરહદ પર સ્થિતિ કંઈક અલગ હતી. ત્યાં બદલાઈ રહેલા રાજકીય સમીકરણોને કારણે લાખોની સંખ્યામાં લોકોએ પૂર્વ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી પલાયન કરી ભારતમાં ઘૂસણખોરી કરી હતી. ઘૂસણખઓરીની આ સ્થિતિ આજે પણ યથાવત છે.
કેન્દ્ર સરકારે સંસદમાં એ માહિતી આપી હતી કે, બાંગ્લાદેશમાંથી અત્યાર સુધીમાં આશરે 2.40 કરોડ લોકોએ ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી કરી છે. જેમાંથી મોટા ભાગના પશ્ચિમ બંગાળમાં છે. 75 લાખથી વધુ ગેરકાયદે પ્રવાસી પશ્ચિમ બંગાળમાં છે, બાકીના આસામ અને ત્રિપુરામાં.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ ગેરકાયદે પ્રવાસીઓએ ઘૂસણખઓરી કરી છે. આશરે 7થી8 લાખ જેટલા ગેરકાયદે પ્રવાસી અહીંના વિસ્તારોમાં રહે છે.આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, કેરલ અને હૈદરાબાદમાં પણ મોટી સંખ્યામાં ગેરકાયદે પ્રવાસીઓએ ઘૂસણખોરી કરી છે. આસામમાં ઘૂસેલા આવા પ્રવાસીઓના વિરોધમાં લાંબા સમયથી વિરોધ ઉઠતો રહ્યો છે.
હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેના તણાવને કારણે સ્થળાંતર કરનારા લોકોની સંખ્યા 25 લાખથી વધીને 35 લાખ થઈ ગઈ છે. આસામના લોકો જેઓ તેમની સાંસ્કૃતિક અને ભાષાની ઓળખ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે તેમની સંખ્યા 50 ટકાની નીચે પહોંચી ગઈ છે. જેને કારણે રાજ્યમાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શનો કર્યા અને ત્યારબાદ સરકારે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર બનાવીને 19 લાખ જેટલા ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓની ઓળખ કરવાનો નિર્ણય કર્યો હતો. NRC બનાવવામાં ગેરરીતિની અનેક ફરિયાદો લોકો તરફથી આવી છે. તો પશ્ચિમ બંગાળની સ્થિતિ એકદમ અલગ છે. રાજ્યમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર પ્રવાસીઓએ સ્થળાંતર કર્યું હોવા છતાં બંગાળમાં આ મુદ્દો ભાજપ શાશિત રાજ્યમાં સક્રિય થયા પહેલા બંગાળમાં ધ્યાન પર લેવામાં આવ્યો નહતો.
ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે, ધાર્મિક આધાર પર વસ્તીમાં વધારો થવા માટે ગેરકાયદેસર સ્થળાંતર મુખ્ય કારણ છે. બંગાળમાં વર્ષ 1950માં મુસ્લિમ વસ્તી 20 ટકા હતી, જે વર્ષ 2011 સુધીમાં વધીને 27 ટકા થઈ ગઈ છે. બીજેપીનો આરોપ છે કે, રાજ્યની અગાઉની સામ્યવાદી અને તૃણમૂલ સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી નહતી. આસામમાં લોકો તેમના અસ્તિત્વ સામે ઉભા થયેલા જોખમને કારણે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે, જ્યારે બંગાળમાં આવી સ્થિતિ નથી.
બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાં આ સમસ્યા નથી કારણ કે ત્યાંના લોકો સમાન બોલી અને સંસ્કૃતિમાં રહે છે. બંગાળથી થઈ રહેલા પલાયનને કારણે ત્રિપુરાના આદિવાસીઓ લઘુમતી બન્યા છે. વર્ષ 1951માં તેમની વસ્તી 60 ટકા હતી, જે 2011માં ઘટીને ફક્ત 31 ટકા થઈ ગઈ છે.
અનેક સંસ્થાઓ સાથે વાત કર્યા પછી ખુદ ગૃહપ્રધાન અમિત શાહે આ બિલ તૈયાર કર્યું છે. અને આ કારણોસર પૂર્વ ભારતના ઘણા સાંસદોએ તેનું સમર્થન કર્યું છે. એવા વિસ્તાર કે જ્યાં, ઈનર લાઈન પરમિટ અમલમાં છે અને જે છઠ્ઠા શેડ્યૂલ અંતર્ગત સેલ્ફ રૂલમાં આવે છે તે આ બિલમાં આવરી લેવાતા નથી.
પૂર્વ ભારતમાં આસામ (3 સેલ્ફ રુલ ક્ષેત્ર સિવાય) ત્રિપુરા (આદિજાતિ સેલ્ફ રુલ ક્ષેત્ર સિવાય) અને મેઘાલયની રાજધાની શિલોંગને આ બિલ હેઠળ આવરી લેવામાં આવે છે. આ કારણોસર વિરોધ પણ આ વિસ્તારો પુરતો મર્યાદિત છે.
- ઈચ્છાશક્તિનો અભાવ
પૂર્વ ભારતની વાત કરીએ તો, આસામ અને ત્રિપુરામાં પલાયનની ઘટનાઓ વધારે થઈ છે. ત્રિપુરામાં બંગાળીનું વર્ચસ્વ હોવા છતાં આદિવાસી આંદોલન મોટો મુદ્દો નથી. આસામ શરૂઆતથી જ આ મુદ્દા પર સળગી રહ્યું છે અને તેથી 1985માં એક કરાર કરવામાં આવ્યો હતો. પરંતુ આસામના લોકોમાં આને લઈને વિરોધ યથાવત છે કારણકે, આ કરારનો છેલ્લા 35 વર્ષથી સંપૂર્ણ અમલ કરવામાં નથી આવ્યો.
સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ NRCનો રસ્તો સ્પષ્ટ થયો છે. જેમાં લગભગ 19 લાખ ગેરકાયદે રહેવાસીઓની ઓળખ કરવામાં આવી છે. જેમાંથી 5થી 6 લાખ હિન્દુઓ NRCના સંરક્ષણને કારણે ભારતમાં રહી શકે છે. જેનાથી આસામના લોકોમાં રોષ વધી ગયો છે. તેમની ભાષા અને સંસ્કૃતિને બચાવવા આ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ મુદ્દાને લગતી બાબતો પર પુનર્વિચાર કરવાની ખાતરી અપાયા બાદ પણ આસામના લોકો શાંત નથી. આ વિરોધ ભાજપ સામે છે એમ કહેવું ખોટું છે. આસામના લોકોનો કોઈ પણ રાજકીય પક્ષ માટે યોગ્ય અભિપ્રાય નથી.
આસામના લોકોને તેમની ભાષા, સંસ્કૃતિ અને રિવાજોની જાળવણી માટે તાત્કાલિક ખાતરી આપવાની જરૂર છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં સ્થિતિ જુદી છે. મુખ્યપ્રધાન મમતા બેનર્જી પરપ્રાંતિઓને નાગરિકતા આપવા માટે તૈયાર છે. તો કેરળ, પંજાબ અને મધ્યપ્રદેશ પણ આ પ્રકારની વાત કરી રહ્યાં છે. દેખીતી રીતે જ પ્રાદેશિક પક્ષો લોકોની અપેક્ષાઓને પૂર્ણ કરવા નિર્ણય લે છે. પરંતુ રાષ્ટ્રીય પક્ષોનો અભિગમ અલગ છે. આસામ અને પશ્ચિમ બંગાળ અંગે તેમનો અલગ અભિપ્રાય છે. તમામ રાજકીય પક્ષો આ સમસ્યાનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરતા જોવા મળે છે, અને તેઓ આ મામલાને પતાવવા માટે કોઈ નક્કર સૂચનો આપતા હોય તેમ લાગી રહ્યું નથી.