મુંબઈ: હવામાન વિભાગે જણાવ્યું છે કે, અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે. જે ચક્રવાતી વાવાઝોડાનું સ્વરુપ લઈ શકે છે અને 3 જૂન સુધીમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વાવાઝોડું આવી શકે છે.
હવામાન વિભાગની ચક્રવાત વાવાઝોડાની ચેતવણી બાદ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે માછીમારોને દરિયા કિનારે નહીં જવાની અપીલ કરી છે. ઠાકરે કહ્યું કે, આગામી 2-3 દિવસમાં ચક્રવાત મહારાષ્ટ્રમાં ટકરાવવાની આશંકા છે. હું માછીમારોને આગામી 3-4 દિવસ માટે દરિયામાં માછીમારી ન કરવાની અપીલ કરુ છે. આગામી 24 કલાકમાં હવાનું હળવું દબાણ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનનું સ્વરૂપ ધારણ કરશે અને ત્યારબાદ 24 કલાકમાં તે ચક્રવાતી તોફાન બને તેવી સંભાવના છે.
3 જૂન સુધીમાં વાવાઝોડુ ઉત્તર મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચવાની સંભાવના છે.પવન 90 થી 100 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે. જેની ગતિ વધીને 110 કિલોમીટર પ્રતિ કલાક પણ થઈ શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, 2 જૂનના રોજ હવાની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોચશે જે દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તાર પર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. ભારતના હવામાન વિભાગે જણાવ્યું કે માછીમારોને પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ આગામી 24 કલાક સુધી પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર અને દક્ષિણ ઓમાન અને યમનના કાંઠા વિસ્તારોમાં ન જાય.