PWDને સ્વયંને સલામત રાખવા માટે ચેપનું જોખમ તથા નિવારણ માટેની વિગતો પ્રાપ્ત કરવામાં મુશ્કેલીનો અનુભવ થાય છે. દિવ્યાંગ લોકોને સામાન્ય જીવનમાં પણ કાળજી લેનાર અથવા તો મદદનીશની જરૂર પડે છે. તેમાંયે, કટોકટીની સ્થિતિમાં આ જરૂરિયાત અનેકગણી વધી જતી હોય છે. અંધ વ્યક્તિએ દિશાસૂચન માટે ભૌતિક સ્પર્શ પર આધાર રાખવો પડે છે. સાંભળવાની ખામી ધરાવનારા લોકો નેશનલ મીડીયા પર પ્રસારિત થતા સંદેશા સાંભળી શકતા નથી. શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ વોશ બેસિન સુધી પહોંચી શકતી નથી અથવા તો વારંવાર તેમના હાથ ધોવા માટે સક્ષમ હોતી નથી. સેરેબ્રલ પાલ્સી અથવા ડાઉન્સ સિન્ડ્રોમ જેવી પરિસ્થિતિ ધરાવતાં બાળકો અને કિશોરોને ભોજન કરવા માટે મદદની જરૂર પડે છે. પ્રત્યાયન (કમ્યુનિકેશન)ની વિકલાંગતા ધરાવનારા લોકો તેમની સમસ્યાઓ અભિવ્યક્ત કરવા માટે અસક્ષમ હોય છે. માનસિક આરોગ્યને લગતી સમસ્યાઓ ધરાવનારા લોકો સંદેશા સમજી શકતા નથી. યુરોપની લગભગ તમામ ચેનલોથી અલગ, એક પણ ભારતીય ચેનલ સાંકેતિક ભાષા (સાઇન લેંગ્વેજ) ઇન્ટરપ્રિટર ધરાવતી નથી. મુખ્ય પ્રવાહના સંદેશા તેમના સુધી પહોંચી શકતા નથી.
તેની સાથે-સાથે PWD ડાયાબિટીસ અને હાઇપર ટેન્શન જેવી સ્થિતિનું ઊંચું જોખમ ધરાવે છે, જે કોવિડના મૃત્યુ દરનાં ઊંચા જોખમી પરિબળો છે. આમ, મહામારીના સમયમાં તેમને બાકીની વસ્તી કરતાં વધુ મદદની જરૂર પડે છે. તેઓ યોગ્ય રીતે જમી નથી શકતા અને તેમની આસ-પાસ શું બની રહ્યું છે, તે સમજવા માટે તેઓ અસક્ષમ હોવાથી તેઓ વધુ તાણનો અનુભવ કરી શકે છે. વળી, આ પરિસ્થિતિ ઉપર તેમનું નિયંત્રણ પણ હોતું નથી. વિકલાંગતા ધરાવતી ઘણી મહિલાઓ બાળકો સાથેના પરિવાર ધરાવે છે અને આવી કટોકટીની સ્થિતિમાં તેઓ કેવી રીતે તેમનાં બાળકો તથા પરિવારના સભ્યોની સંભાળ લઇ શકશે તે બાબતે ભારે તણાવ અનુભવે છે. આરોગ્ય કેન્દ્રો અથવા પરિવહન સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી તેમને આરોગ્યને લગતી સામાન્ય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવતી નથી.
ભારતમાં વત્તા-ઓછા અંશે વિકલાંગતા ધરાવતા આશરે ૧૫૦ મિલિયન લોકો વસે છે. લગભગ ૨૫થી ૩૦ મિલિયન લોકો ગંભીર વિકલાંગતા ધરાવે છે. તે પૈકીના મોટાભાગનાં લોકો કેરર (કાળજી લેનાર) ઉપર નિર્ભર છે. તેને પગલે ૨૫-૩૦ કેરર્સનો ઉમેરો થાય છે. આમ, આપણે આશરે ૫૦ મિલિયન લોકો પર ધ્યાન આપી રહ્યાં છીએ, જેમને ખાસ સહાયની જરૂર છે.
વિકલાંગતા ધરાવનારા લોકો સુધી પહોંચવા માટે સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ (એનજીઓ) અને નાગરિક સમાજ સંગઠનો દ્વારા ખાસ પ્રયાસો હાથ ધરવા જરૂરી છે. તેમણે કોવિડને લગતા નિવારણ અને સંભાળના સંદેશાને સુલભ સ્વરૂપમાં પરિવર્તિત કરવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. વિકલાંગતા ધરાવનારા લોકો માટે હોસ્પિટલમાં વેઇટિંગ ટાઇમ ઘટાડવાથી હોસ્પિટલની તેમની મુલાકાત દરમિયાન કોરોનાવાઇરસના અન્ય સ્પર્શ વાહકો અથવા તો તેના કેસો સાથેનો સંપર્ક ઘટશે. તેમની દવાની જરૂરિયાતો પૂરી પાડવી જોઇએ. મોબાઇલ હેલ્થ ટીમ તેમને ઘેરબેઠા સેવા પૂરી પાડી શકે છે, જેથી તેમણે હોસ્પિટલની મુલાકાત ન લેવી પડે. આ માટે એક સમર્પિત હેલ્પલાઇન શરૂ કરી શકાય, જેથી મેડિકલ ટીમ તેમના સુધી પહોંચી શકે. તેમને સાબુ કે સેનિટાઇઝર્સ અને ટિશ્યૂનો પુરવઠો મળી રહે, તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.
હાલના ભયના માહોલની વચ્ચે, નેતાઓએ, ખાસ કરીને વૃદ્ધો તથા વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ સહિત, સમાજના તમામ વર્ગોને સામેલ કરી દેવામાં આવ્યા હોય, તેવી સમાવેશક સંભાળની જરૂરિયાતનો પુનરોચ્ચાર કરવો પડશે.
આ લેખના લેખક પ્રોફેસર જીવીએસ મૂર્તિ PHFIના વાઇસ પ્રેસિડેન્ટ અને IIPH – હૈદરાબાદના ડિરેક્ટર છે.