વીજઉત્પાદન, પેટ્રોલિયમ પદાર્થોની ખપત, ઔદ્યોગિક ઉત્પાદન, ઇલેક્ટ્રોનિક પેમેન્ટ જેવા મહત્ત્વના બધી બાબતોના માસિક આંકડાં નીચે આવી રહ્યા હતા. મંદી બેસી રહી છે તેવું આ ઘટતાં આંકડાં દર્શાવી રહ્યા હતા. જોકે નોંધપાત્ર બાબત એ રહી કે મંદી માટે મૂળભૂત રીતે જવાબદાર સૌથી અગત્યની બાબત પર ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયું હતું. તે હતું દેશમાં લગભગ દરેક ક્ષેત્રમાં વધતું દેવું. સરકાર માટે રાહતની વાત એ રહી કે ક્રૂડ ઑઇલના ભાવો કાબૂમાં રહ્યા હતા. તેના કારણે ભારત વેપારી અને હૂંડિયામણની ખાધને વધુ ઘટતા અટકાવી શકાય હતી. સરકારે પણ નવી કંપનીઓ પરનો ટેક્સ ઘટાડીને 15% કર્યો અને ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર 1.50 લાખ રૂપિયા લાખ સુધીની વેરારાહત આપીને મંદીમાં રાહત આપવાનો પ્રયાસ કર્યો હતો.
બેન્કિંગની સમસ્યા યથાવત
વર્ષ દરમિયાન બેન્કિંગની સમસ્યા આગળ વધતી જ રહી. સરકારે જાહેર ક્ષેત્રની બેન્કોમાં નવી મૂડી ઠાલવી (મે 2019ની ચૂંટણી પછી છેલ્લે 70,000 કરોડ રૂપિયા બેન્કોને અપાયા) તે પછીય બેન્કો મુશ્કેલીમાંથી બહાર આવી નથી. જોકે વર્ષના અંત સુધીમાં બેન્કોની ફસાયેલા ધિરાણમાં - એનપીએમાં થોડો એવો ઘટાડો થયો હતો, પણ તે ટૂંકા ગાળાનો હશે તેમ લાગે છે. બેન્કો ધિરાણ આપવામાં સાવધ થઈ હતી અને ધિરાણ આપવાનું લગભગ અટકી ગયું હતું તેના કારણે પણ એનપીએ ઓછી થયેલી લાગે છે. મુદ્રા લોનમાં હવે એનપીએ ઊભી થવા લાગી છે તે ભાવીના એંધાણ છે. જાહેર ક્ષેત્રની બેન્કોની એનપીએ 11.2%થી ઘટીને 9.1% ટકા થઈ, પણ તેની સામે ખાનગી ક્ષેત્રની બેન્કોની એનપીએ વધી હતી.
સરકારે બેન્કિંગ સમસ્યાને હલ કરવા માટે બધા પ્રકારના ઉપાયો અજમાવી જોયા છે. જાહેર ક્ષેત્રની 10 બેન્કોનું એકીકરણ કરીને ચાર મોટી બેન્કો બનાવાઈ છે. આઈડીબીઆઈ બેન્કની 25% એનપીએ થઈ ગઈ હતી, તેને એલઆઈસી દ્વારા ટેકઑવર કરી લેવાય છે. કમનસીબે આવા ટૂંકા ગાળાના ઉપાયોથી સમસ્યા ઉકેલાવાની નથી.
સરકારે બેન્કોની સ્થિતિ બાબતમાં ચિંતા કરવી જરૂરી છે. અત્યારે બેન્કો સલામત સ્થિતિમાં જણાય છે, પણ મંદી બેઠી છે ત્યારે સંપત્તિ સામે જવાબદારી વધી ના જાય તે માટે સાવધાની રાખવી પડશે. લાંબા ગાળાથી ચાલી રહેલી સમસ્યાને કારણે આજે વિકાસશીલ બજારોમાં અને G-20 દેશોમાં મૂડી સામે જોખમના રેશિયોની બાબતમાં, ભારતીય બેન્કો આર્થિક રીતે સૌથી નબળી સ્થિતિમાં છે. ગયા વર્ષે બે મોટા દેશોમાં બેન્કોની એનપીએની બાબતમાં ભારતીય બેન્કો કરતાં સ્થિતિ ખરાબ હતી. તેમાં એક હતો ગ્રીસ જેની એનપીએ 42% હતી, જ્યારે રશિયાની બેન્કોની એનપીએ 10.1% હતી.
જોકે એવો કહેવાનો ભાવ નથી કે ભારતીય બેન્કો તૂટી પડવાની અણી પર છે. વિકાસશીલ દેશોની સરખામણીએ ભારતની બેન્કોની સ્થિતિ તંદુરસ્ત છે, પણ તેનું કારણ એ છે આ દેશોમાં સૌથી ઓછું ધિરાણ અપાયેલું છે. ભારતીય બેન્કોની લગભગ 25 ટકા મૂડી સરકાર કે આરબીઆઈ પાસે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશયો (SLR) અને કેશ રિઝર્વ રેશિયો (CRR) તરીકે જમા પડેલી રહે છે. આમ છતાં બેન્કિંગ સેક્ટરની કટોકટી વ્યાપક રીતે અર્થતંત્રને અસર કરી રહી છે. બેન્કો અને NBFC દ્વારા ઓછું ધિરાણ આપવામાં આવી રહ્યું છે. તેની સામે વિદેશમાંથી વેપારી ધોરણે ધિરાણ લેવાનું વધી રહ્યું છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં તે વધીને 70,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
એનફીએફસી ક્ષેત્રમાં કટોકટી
વર્તમાન નાણાંકીય વર્ષ નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઝ (એનબીએફસી) સેક્ટરના કારણે અર્થતંત્રને પડેલા ફટકા માટે પણ યાદ રહેશે. એનબીએફસીની લગભગ 40% લોન ઓટોમાઇબલ સેક્ટર સાથે સંકળાયેલી છે. છેલ્લા 3 વર્ષમાં અર્થતંત્ર મોટાપાયે તૂટી ના પડ્યું તેનું એક કારણ એનબીએફસી તરફથી થઈ રહેલું ધિરાણ પણ હતું. માર્ચ 2018 સુધીમાં એનબીએફસીએ આપેલી લોન્સનું કુલ મૂલ્ય 30.85 લાખ કરોડ સુધી પહોંચ્યું હતું, જે માર્ચ 2019 સુધીમાં વધીને 32.57 લાખ સુધી પહોંચ્યું હતું. સપ્ટેમ્બર 2019 સુધીમાં તેનો વૃદ્ધિ દર ઘટીને 13.2% જેટલો નીચે આવી ગયો હતો. માર્ચ 2018ના અંતે વૃદ્ધિ દર વધીને 26.8% સુધી પહોંચી ગયો હતો, પણ મંદીના કારણે ઘટેલી માગથી તથા IL&FSની કટોકટીને કારણે તેમાં મોટો ઘટાડો થયો.
વર્ષ દરમિયાન ઇન્સોલવન્સી બેન્કરપ્સી કોડ, આર્બિટેશન એક્ટ અને ઔદ્યોગિક સંબંધો અંગેના ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્લ કોડમાં ઘણા બધા ફેરફારો સહિતના કાયદામાં ફેરફારો જોવા મળ્યા. વર્ષ દરમિયાન બીજી મહત્ત્વની આર્થિક ઘટના હતી ટેલિકોમ સેક્ટરમાં મોટાપાયે થયેલી ઉથલપાથલ. કંપનીઓ વચ્ચે ગળાકાપ સ્પર્ધા અને સરકારી લેણાંની માગણીને કારણે ટેલિકોમ કંપનીઓ દેવાના ડુંગર તળે દબાઈ ગઈ હતી. ટેલિકોમ ક્રાંતિને કારણે દેશના ગ્રાહકો ફાયદામાં રહ્યા, પરંતુ સુપ્રીમ કોર્ટે હાલમાં જ એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ તરીકે 92,000 કરોડ રૂપિયા સરકારને ચૂકવવા જણાવ્યું તેનાથી ટેલિકોમ કંપનીઓ દેવાળું કાઢવાની સ્થિતિમાં છે.
ભાવી પથ
અર્થતંત્રની મુશ્કેલીને ચાલવા દેવાશે તો મંદી વધારે ઘેરી બની શકે છે. આવી સ્થિતિમાં જુદા જુદા સેક્ટર તરફથી રાહતની માગણીઓ થશે. અત્યાર સુધી સરકાર બેઇલઆઉટ માટેના દબાણમાં આવી નથી. મંદીના કારણે જીએસટીની આવક ઘટી છે, તેથી કેન્દ્ર અને રાજ્ય સરકારો કંપનીઓ અને નાગરિકો પાસેથી વધુમાં વધુ વસૂલી કરવા કોશિશ કરે છે. આ મોટી ભૂલ છે, કેમ કે સરકારે પોતાના ખર્ચને કોન્સોલિટેડ કરવાની અને સાવચેતીપૂર્વક મૂડીરોકાણ કરવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં વિકાસને ઉત્તેજન મળી શકે.
ઘણી રાજ્ય સરકારો મુશ્કેલ આર્થિક સ્થિતિમાં છે અને બિનઉત્પાદક સબસિડીમાં પોતાના સ્રોતોને વેડફવાનું બંધ કરવા તૈયાર નથી. તેથી ભવિષ્યને ધ્યાનમાં રાખીને મૂડીરોકાણ કરવાનું કેન્દ્ર સરકારના માથે આવ્યું છે. રાજ્ય સરકારે જીએસટીના દરો વધારવાનું દબાણ કર્યું છે તેને કેન્દ્ર સરકારે સ્વીકારવું જોઈએ નહિ, કેમ કે તેનાથી સ્થિતિ વકરશે. તેના બદલે રાજ્ય સરકારોને કરકસર કરવા અને સબસિડી પાછળ સ્રોતોનો વેડફાટ અટકાવવા જણાવવું જોઈએ. આ સ્રોતોનો વેડફાટ માત્ર વૉટબેન્કના રાજકારણથી વધુ કંઈ નથી અને તેનાથી માત્ર સમસ્યા વકરે જ છે.
ભારતે વૈકલ્પિક મૉડલ વિશે વિચારીને વૈશ્વિકીકરણ પછીની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિકાસનું નવું મૉડલ તૈયાર કરવું જરૂરી છે. વિકાસના કારણે માગ વધે તે માટે પ્રયાસો કરવો જોઈએ. એ યાદ રાખવું જરૂરી છે કે આર્થિક વિકાસના દરેક નવા તબક્કામાં નવા પ્રકારના ઉદ્યોગોની જરૂર હોય છે. 1970 અને 1980ના દાયકામાં હેવી ઇન્ડસ્ટ્રીઝને કારણે વિકાસ થયો હતો, જ્યારે 1990 અને 2000ના દાયકામાં સર્વિસ સેક્ટરના કારણે, ખાસ કરીને આઈટી, ટેલિકોમ અને મીડિયાના કારણે વિકાસ થયો હતો.
આ ક્ષેત્રમાં વિકાસ અને તેની સાથે બેન્કિંગ ક્ષેત્ર દ્વારા મોટા પાયે ધિરાણના કારણે માગમાં વધારો થયો હતો. તેના કારણે માગમાં વધારો થયો અને નોકરીઓ વધી, જેનાથી સરકારને મહેસૂલ પણ મળી. પરંતુ હવે આ ક્ષેત્ર ધીમા પડ્યા છે ત્યારે સરકારે નવા પ્રકારના ઉદ્યોગોને મદદ કરવી જરૂરી છે. નવા ઉદ્યોગો ઉત્પાદન વધારે, એટલું જ નહિ કાર્યદક્ષતા સાથે વૈશ્વિક સ્પર્ધામાં ઊભા રહે તેવી રીતે ઉત્પાદન કરે તે જરૂરી બન્યું છે.
કેન્દ્ર સરકારે નીચે પ્રમાણેના ઉપાયો વિચારવા જોઈએ:
- સમય વીતી રહ્યો છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ વિચારપૂર્વક ખર્ચ કરવો જરૂરી છે. દેવું ખૂબ વધી ગયું છે. કેન્દ્ર સરકાર દર મહિને એક લાખ કરોડ રૂપિયાનું દેવું કરી રહ્યું છે, જ્યારે રાજ્યો બીજા 50,000 કરોડ રૂપિયાનું દેવું દર મહિને લે છે. સરકારી કંપનીઓ, ટ્રસ્ટ અને સંસ્થાઓના દેવાનો આમાં સમાવેશ થતો નથી. સરકારે આ બાબતમાં સાવધાની રાખવી જરૂરી છે, કેમ કે મોટા ભાગનું દેવું બેન્ક, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ પંડ જેવી જાહેર ક્ષેત્રની સંસ્થા પાસેથી લેવાયેલું છે. માત્ર 10% જેટલું દેવું જ વિદેશી અથવા વ્યક્તિગત રીતે લેવાયેલું છે. તેથી કોઈ મુશ્કેલી આવશે તો લોકો, ખાસ કરીને મધ્યમ વર્ગ મુશ્કેલીમાં મૂકાઈ જશે.
- દર વર્ષે મોટી સંખ્યામાં યુવાનો રોજગારી માટે તૈયાર થઈ રહ્યા છે, ત્યારે તેમને નોકરીઓ આપવી જરૂરી છે. દેવું કરીને મેળવાયેલું જંગી ભંડોળ સબસિડી પાછળ વેડફી દેવાનું બંધ કરવાની જરૂર છે. બધું સરકાર જ કરે અને બધું મફતમાં જ આપે તે શક્ય નથી. તેના બદલે સરકારે એવી રીતે મૂડીરોકાણ કરવું જોઈએ, જેનાથી ભવિષ્ય માટેનું માળખું ઊભું થાય. એવું માળખું જે નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપે અને સહાયરૂપ થાય અને તેના કારણે પૂરતા પ્રમાણમાં રોજગારી પણ ઊભી થઈ શકે.
- શરૂઆત તરીકે ઇલેક્ટ્રિક વાહનો માટેનો માહોલ ઊભો કરવો જોઈએ. ઇલેક્ટ્રિક વાહનો માટે જરૂરી વિશાળ માળખું ઊભું કરવા માટે ભંડોળ ફાળવવું જોઈએ. સાથે જ જળસંગ્રહ માટેની યોજના પાછળ ખર્ચ થવો જોઈએ.
- સરકારે આકરા લાગે તેવા પગલાં લઈને સબસિડી પાછળ થતો વ્યય એક કે બે વર્ષ માટે અટકાવી દઈને, તે નાણાંનો ઉપયોગ આર્થિક સુધારણા માટે કરવો જોઈએ. બેન્કોની બધી જ એનપીએ સરકારે લઈ લેવી જોઈએ અને બેન્કોના કામકાજમાં મોટા પાયે ફેરફારો કરવા જોઈએ. ખરાબમાં ખરાબ સ્થિતિમાં અને આવા આકરાં પગલાં લેવામાં આવે તેના કારણે કેન્દ્ર સરકારને લગભગ 10થી 12 લાખ કરોડ રૂપિયાની જરૂર પડશે. પરંતુ આ આકરી દવાનો ડોઝ અર્થતંત્રને આ કપરા કાળમાં આપવો જરૂરી છે. બાદમાં સરકાર આ લોનની વસૂલી કરી શકે છે. જોકે આવા આકરાં સુધારા કરવા માટે રાજકીય ઇચ્છાશક્તિની જરૂર છે.
- મદદ કરવી પડે તેવું અગત્યનું એક સેક્ટર અત્યારે છે ટેલિકોમ. 5G સહિતની ભવિષ્ય માટેની ટેક્નોલૉજીમાં રોકાણ કરવામાં આવે તેમાં સરકારે સબસિડી આપવી જોઈએ. આવી ટેક્નોલૉજીને કારણે ભારતીય ઉદ્યોગો વધારે ઉત્પાદક બની શકશે અને લાંબા ગાળે સ્પર્ધાત્મક બની શકશે.
- મુદ્રા લોન, માઇક્રો-ફાઇનાન્સ જેવી યોજના પાછળ નાણાંનો વેડફાડ કરવો જોઈએ નહિ. તેના બદલે ભવિષ્યની ટેક્નોલૉજી માટેનું માળખું ઊભું કરવા પાછળ ખર્ચ કરવો જોઈએ. નેટવર્ક સિક્યુરિટી, ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટીમાં રોકાણ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, આધુનિક મેડિકલ સાયન્સ વગેરેમાં રોકાણ કરવું જોઈએ, જે ચીન કરી રહ્યું છે.
- કટોકટી ઊભી થઈ હોય તેના કારણે મળેલી તકને જતી કરવી જોઈએ નહિ. સરકારે ભંડોળની ફાળવણી સાથે શરતો જોડવી જોઈએ. કેન્દ્ર, રાજ્ય કે સ્થાનિક સંસ્થાના વિભાગો ઉત્પાદકતા માટેના ઉપાયો અજમાવે તેના માટે જ ભંડોળ ફાળવવું જોઈએ. ખાસ કરીને સરકારી તંત્ર અને શિક્ષણ વ્યવસ્થામાં કાર્યદક્ષતા સાથે જ વળતરને જોડવું જોઈએ.
લેખક : ડૉ. એસ. અનંત