ધર્મશાળા: ધર્મગુરૂ દલાઈ લામા શનિવારે કોરોના વાઈરસ રોગચાળાને કારણે ત્રણ મહિનાના લાંબા ગાળા બાદ ઓનલાઈન ડિઝિટલ ક્લાર દ્વારા તેમના અનુયાયીઓને સંબોધન કર્યું હતું. દલાઈ લામાએ પોતાના અનુયાયીઓને સલાહ આપી હતી કે, કોરોનાને લીધે વિશ્વમાં હાલ ડર અને અરાજકતા ઉભી થઈ છે. જે દરમિયાન નકારાત્મક લાગણીઓનો સામનો કરવા માટે આંતરિક શાંતિ વિકસાવવી જોઈએ.
લાઈવ કાર્યક્રમ દરમિયાન દલાઈ લામાએ ચાર મુદ્દા અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આધુનિક યુગમાં ધર્મ અને વિજ્ઞાન દ્વારા આંતરિક શાંતિ, માનવ સેવા, દરેક જગ્યાએ શાંતિ સ્થાપવા અને વિશ્વના પર્યાવરણના સંરક્ષણ બાબતે મુક્તમને વાત કરી હતી.
દલાઈ લામાએ જણાવ્યું કે, તિબેટીયન બૌદ્ધ ફિલોસોફી વિશ્વમાં શાંતિ અને સુખ પ્રાપ્ત કરવાના પરિવર્તનોનું વર્ણન કરે છે. વ્યક્તિ જીવન ટકાવવા માટે સમાજ પર નિર્ભર છે. સમાજ એકબીજા પ્રત્યે કરૂણા અને દયાભાવ દાખવતા શીખવે છે. કરૂણા એ માનવ પ્રકૃતિની આંતરિક ગુણવત્તા છે.
લામાએ કોરોના વાઈરસ અને લોકડાઉન બાબતે વાત કરતા જણાવ્યું કે, વિશ્વના તમામ લોકો કોવિડ-19ની કટોકટીનો સામનો કરી રહ્યા છીએ, આપણે વૈશ્વિક સહકાર પર ભાર મૂકવાની જરૂર છે. આપણે બધાએ એક માનવ પરિવારના સભ્યો બની એકજૂથ થઈને કોરોના વાઈરસ સામે લડવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, દલાઈ લામાનું ઓનલાઈન માર્ગદર્શન રવિવારે પણ ચાલુ રહેશે.