પાકિસ્તાને તે એક્શન પ્લાન વિષે સ્હેજે ગંભીરતા દાખવી જ નથી, જેના પગલે એફએટીએફની સંલગ્ન પ્રાદેશિક એશિયા પેસિફિક ટીમે તો ઓગસ્ટ 2019માં જ પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવાની આગ્રહભરી ભલામણ કરી દીધી હતી. એફએટીએફે પોતાના ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતા ગ્રે ઈન્ડેક્સમાં પાકિસ્તાનનું નામ મુક્યું છે અને એ લિસ્ટના ઓછામાં ઓછા 22 મુદ્દાઓ ઉકેલવા તાત્કાલિક પગલાં લેવાનો આગ્રહ કર્યો હતો. પણ પાકિસ્તાને તેનો કોઈ પ્રતિભાવ આપ્યો જ નથી. ખરેખર તો એફએટીએફ દ્વારા પાકિસ્તાનને પણ ઈરાન અને ઉત્તર કોરીઆની માફક તાત્કાલિક અસરથી બ્લેકલિસ્ટ કરી દેવું જોઈએ, પણ તેના બદલે એ દેશને ચાર મહિનાનો વધારાનો સમય અપાયો છે. પાકિસ્તાન હજી પણ આ મુદ્દે કોઈ પ્રતિભાવ નહીં આપે તો, પછી તેને બચાવની કોઈ તક નહીં રહે. આવતા વર્ષે ફેબ્રુઆરી મહિના સુધીમાં એક્શન પ્લાનનો પ્રતિભાવ પાકિસ્તાન નહીં આપે તો પગલાનો સામનો કરવા એફએટીએફના પ્રેસિડેન્ટ જિઆંગ મિન લીએ તેને કાર્યવાહીની ચેતવણી આપી છે. એફએટીએફ 37 સભ્ય દેશો તથા બે પ્રાદેશિક સહયોગોનું એક સહિયારૂં તંત્ર છે અને તેનું અધ્યક્ષપદ ગત જુન મહિનામાં ચીનને અપાયું છે. તેના બંધારણ મુજબ કોઈપણ સૂચિત પગલાંને તેના ત્રણ સભ્યો સમર્થન આપે નહીં તો એ પગલું પાછું ઠેલવું પડે કે રદ કરવું પડે. હાલમાં ચીન, તુર્કી અને મલેશિયાની મદદથી પાકિસ્તાન પ્રતિબંધમાંથી કામચલાઉ રીતે તો બચી ગયું છે. હવે તો આગામી ચાર મહિનામાં પાકિસ્તાન પોતાની ધરતી ઉપરથી ચાલતી ત્રાસવાદી પ્રવૃત્તિઓ અટકાવવા માટે નિયત કરાયેલો એક્શન પ્લાન અમલમાં મુકે છે કે નહીં, તે દુનિયાને જોવાનું છે.
જી-7 શિખરની રચના ત્રણ દાયકા પહેલા કરાઈ હતી, તેણે એ હકિકત સ્વીકારી છે કે, નાણાંની ગેરકાયદે હેરફેર વિવિધ દેશોની બેંકિંગ પ્રણાલી તથા નાણાંકિય સ્થિરતાને મોટા પાયે વિપરિત અસર કરે છે. આથી તેણે પોતાના નેજા હેઠળ એફએટીએફની રચના કરી છે, જેનો ધ્યેય છે નાણાંની ગેરકાયદે હેરફેર અટકાવવાનો, તેને નિયંત્રિત કરવાનો. આ ટાસ્ક ફોર્સે 1990માં તેની સૂચનાઓના પ્રથમ હપ્તા સાથે, નક્કર પ્રતિબદ્ધતા સાથે પોતાની કાર્યયાત્રાનો આરંભ કર્યો હતો અને વખતોવખત તે પોતાના એક્શન પ્લાનમાં સુધારા, એકસૂત્રતા લાવતો રહે છે. સખતપણે તમામ નિયમ પાલન દ્વારા દરેક પ્રકારના નાણાંકિય સંસાધનો, સ્ત્રોતો અટકાવીને ત્રાસવાદ નાબૂદ કરવાના ધ્યેય સાથે તે કામગીરી એફએટીએફને 2001માં સોંપવામાં આવી છે. મની લોન્ડરીંગ વિષેની ભલામણો સાથે સંકળાયેલા નવ ખાસ ઘડાયેલા સૂચનો ત્રાસવાદી પ્રવૃત્તિઓને મળતો નાણાંકિય પુરવઠો અટકાવવાના ધ્યેય સાથે આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ, અત્યંત કડક માર્ગદર્શિકાઓ સાથે તમામ દેશો ઉપર લાદવામાં આવ્યા છે, જેનું સૌએ પાલન કરવાનું છે અને અપનાવવાના છે. આ બધી કાર્યવાહીના પરિણામે, 2012-2015 દરમિયાન પહેલીવાર પાકિસ્તાન એફએટીએફના ગ્રે ઈન્ડેક્સમાં સતત ટોચના સ્થાને રહ્યું હતું. ફરી તે ગયા જુન મહિનાના અંતિમ સપ્તાહમાં એ જ યાદીમાં સ્થાન પામ્યું હતું. સુધારાલક્ષી પગલાં લેવા છતાં, પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન બીજી દિશામાં વાળવાની લુચ્ચાઈપૂર્વકની યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવી હોવા છતાં તે એમાં નિષ્ફળ રહ્યું છે. તેણે ત્રાસવાદી જૂથ જમાત-ઉદ-દાવા ઉપર પ્રતિબંધ મુક્યો છે અને એવો દેખાવ પણ કર્યો છે કે, તમામ ત્રાસવાદી જૂથોને મળતો નાણાંપ્રવાહ તેણે અટકાવી દીધો છે અને તેનો મોટા પાયે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચાર પણ કર્યો છે. પણ તેમછતાં, થોડા જ મહિનાના ગાળામાં આ મોટા નાટક પાછળનું વાસ્તવિક ચિત્ર અને પાકિસ્તાનના ખરા ઈરાદાઓ, તેની સચ્ચાઈ વિશ્વ સમક્ષ ખુલ્લી પડી ગઈ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ગયા જુલાઈ મહિનામાં એવી જાહેરાત કરી હતી કે, તેની સરકાર દેશની ભૂમિ ઉપર ત્રાસવાદી જૂથોને કાબુમાં લેનારી, તમામને નિશસ્ત્ર બનાવી દેનારી સૌપ્રથમ સરકાર બની રહી છે. અને આ જાહેરાત કર્યાના થોડા જ દિવસોમાં તેણે વિરોધાભાસી નિવેદન કરી જણાવ્યું હતું કે, આજે પણ તેમની ભૂમિ ઉપર 30 થી 40 હજાર ત્રાસવાદીઓ સક્રિય છે. વિશ્વભરના કુખ્યાત ત્રાસવાદી મસુદ અઝહરની પેન્શન યોજના હેઠળની અરજી સ્વિકારવાની અને તેના ફોલોઅપના પગલાં લેવાનો શ્રેયનો દાવો કરનારી પણ ઈમરાન ખાનની સરકાર હોવાની નામના તેને મળી છે.
તાજેતરમાં જ એફએટીએફ શિખરની બેઠકમાં શ્રીલંકા, ટ્યુનિસિયા તથા ઈથિઓપીઆને ગ્રે લિસ્ટમાંથી હટાવાયા હતા, તો મેગ્નોલીઆ અને ઝિમ્બાબ્વે સહિત બીજા ત્રણ દેશોને આ સૂચનાઓના પાલનના મુદ્દે લિસ્ટમાં ઉમેર્યા હતા. પાકિસ્તાન ત્રણ દાયકા કરતાં પણ વધારે સમયથી ભારતને માનસિક અને આર્થિક રીતે હરાવવા આ ઠંડા યુદ્ધમાં ગળાડૂબ છે. આ હેતુસર તેણે ત્રાસવાદી જૂથોને જબરજસ્ત પ્રોત્સાહન આપ્યું છે અને તેના પગલે આ અભિશાપનો તે પોતે પણ મોટા પાયે શિકાર બન્યું છે તેમજ તેણે પોતે કરેલી કબૂલાત મુજબ તે આર્થિક રીતે દેવાળિયા બની જવાની સ્થિતિમાં પહોંચી ગયું છે. પાકિસ્તાને પોતાની વિદેશ નીતિમાં ત્રાસવાદ અપનાવ્યો છે અને તેના કારણે દેશની ચોથા ભાગની વસતી આજે ભયંકર ગરીબીમાં સબળી રહી છે. 40 કરોડ રૂપિયાની લોન, 3.40 હજાર મિલિયન રૂપિયાની નાણાંકિય ખાધ, દેશની ગ્રોસ જીડીપી એક વર્ષના ગાળામાં ઘટીને 3300 મિલિયન ડોલર્સની થઈ જવી અને તેના પગલે માથાદિઠ જીડીપીમાં 8 ટકાનો ઘટાડો, આજે કૃષિ વિકાસ દર એક ટકા જેટલો પણ નહીં હોવાની વાસ્તવિકતા તેમજ ફૂગાવાનો દર 13 થી 15 ટકા વચ્ચે પહોંચી ગયો છે.
પાકિસ્તાનના સાવ ખાડે ગયેલા અર્થતંત્રના આ બધા ખરા આંકડા છે. તેના કારણે, આજે પાકિસ્તાન એક મૂંઝવણભરી સ્થિતિ છે, તેને સમજાતું નથી કે 600 બિલિયન ડોલરની ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે (આઈએમએફ) ઓફર કરેલી લોન દેશ માટે આશિર્વાદરૂપ છે કે અભિશાપરૂપ. તે એફએટીએફની માર્ગદર્શિકાઓનું પાલન નહીં કરે તો, તેણે વધુ ને વધુ સમસ્યાઓનો સામનો કરવાનો આવશે અને તેનું શબ્દોમાં વર્ણન પણ કરી શકાશે નહીં. પાકિસ્તાન આર્થિક રીતે પડી ભાંગવાની સ્થિતિ નિવારવા માંગતું હોય, ધિરાણ આપનારી સંસ્થાઓનું સમર્થન પાછું મેળવવા માંગતું હોય તો એણે પોતાના દેશમાં ત્રાસવાદી જૂથોને નાણાંકિય સહાય પુરી પાડવાનું તાત્કાલિક અસરથી બંધ કરવું પડશે અને પોતાના પ્રામાણિકતા સાબિત કરવી પડશે. તે ફરી એકવાર રાબેતા મુજબ વિશ્વને છેતરવાની કોશિષ કરશે, પોતાની એ જ જુની રીતરસમો અપનાવી ફક્ત દેખાડો કરશે, તો ટેરરિસ્તાનને અણધારી સમસ્યાઓનો વધુ ને વધુ પ્રમાણમાં સામનો કરવાનો આવશે અને તેના પગલે તે ગંભીર આર્થિક પાયમાલી તેમજ આફતોની દિશામાં જ ધકેલાશે.