હૈદરાબાદ: તેલંગાણામાં કોરોના વાઇરસનો સંક્રમણ ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે, જેના કારણે રાજ્ય સરકાર ફરીથી લોકડાઉન લાગુ કરવાનું વિચાર કરી રહી છે. દરમિયાન તેલંગાણાના ગૃહ પ્રધાન મોહમ્મદ મહમૂદ અલીને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. તેમની સારવાર હૈદરાબાદની જ્યુબિલી હિલ્સની એપોલો હોસ્પિટલમાં ચાલી રહી છે.
તેલંગાણાના આરોગ્ય પ્રધાને ગૃહ પ્રધાન મહમૂદ અલી કોરોના સંક્રમિત છે તે અંગે પુષ્ટિ કરી હતી. મહમૂદ અલીની સાથે તેમના એક સંબંધી પણ કોરોના વાઇરસથી સંક્રમિત છે. રવિવારે મોડી રાત્રે બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે મહમૂદ અલીની સુરક્ષા હેઠળ તૈનાત સુરક્ષા કર્મીઓ પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તેથી, ડોકટરોને લાગે છે કે સુરક્ષાકર્મીઓ દ્વારા મહમૂદ અલીને ચેપ લાગ્યો હોઇ શકે છે.
તેલંગાણામાં ખાસ કરીને હૈદરાબાદ મહાનગરમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સોમવારે જાહેર થયેલા આંકડા મુજબ, રાજ્યમાં ચેપના કુલ કેસ 14,419 પર પહોંચી ગયા છે, જેમાં ગત 24 કલાકની અંદર 983 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 9,000 સક્રિય કેસ છે જ્યારે 5,172 દર્દીઓ સાજા થયા છે. આ સમય દરમિયાન 247 દર્દીઓના મોત થયા છે.