ચેન્નઈઃ તમિલનાડુના શ્રમ પ્રધાન નીલોફર કફિલને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે. રાજ્યમાં ચોથા પ્રધાનને કોરોનાનો ચેપ લાગ્યો છે. મુખ્યપ્રધાન પલાનીસ્વામીએ શુક્રવારે તેમને ઝડપથી સ્વસ્થ થવા માટે સંદેશ પાઠવ્યો હતો. કફિલ પાસે શ્રમ, શહેરી અને ગ્રામીણ રોજગાર વિભાગ અને વક્ફ બોર્ડનો હવાલો છે. કફિલને કોરોના વાઈરસથી ચેપ લાગ્યો પછી, પલાનીસ્વામીએ કહ્યું કે, તેમણે પ્રધાન સાથે ફોન પર વાત કરીને તેમના ખબર અંતર પૂછ્યાં છે.
મુખ્યપ્રધાને ટિ્વટ કર્યું હતું કે, તેમણે ઝડપથી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી છે. ઉચ્ચ શિક્ષણ પ્રધાન કે.પી.અંબાલાગન આ ચેપી રોગથી સંક્રમિત થનારા પ્રથમ પ્રધાન હતા અને હવે તેઓ સ્વસ્થ થયા છે. વીજ પ્રધાન પી.થાંગામાની અને સેલુરના પ્રધાન રાજુ કોવિડ-19ની સારવાર લઈ રહ્યાં છે.
આ દરમિયાન પલાનીસ્વામીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, લોકો સરકારની પહેલને સંપૂર્ણ સહકાર આપે તો આગામી 10 દિવસમાં કોરોના વાઈરસ ચેપની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે અને રોગચાળો કાબૂમાં આવી શકે છે. તેમણે કહ્યું કે, 31 જુલાઇ સુધીમાં લાગુ થયેલા લોકડાઉનમાં વધારો કરવાનો નિર્ણય કેન્દ્ર અને અન્ય રાજ્યો દ્વારા આ મામલે લેવામાં આવેલા વલણ પર આધારીત રહેશે.
મુખ્યપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારોએ તમિલનાડુમાં કોરોના વાઈરસના ચેપને ફેલાવવાનું રોકવાના લક્ષ્ય હેઠળ રાહત અને નિવારણ પ્રવૃત્તિઓ માટે આશરે 10,000 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. પલાનીસ્વામીએ કહ્યું, "કોરોના વાઈરસના ચેપને રોકવાની સફળતા લોકોના સંપૂર્ણ સમર્થન પર આધારીત છે, કારણ કે વેક્સિન હજુ સુધી આવી નથી."