ચેન્નઇ: તમિલનાડુના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે તેમની તબિયત હાલ સ્થિર છે. આ પહેલા રવિવારે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે એક ખાનગી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ગયા અઠવાડિયે રાજભવનમાં 84 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.
તમિલનાડુમાં કોરોના વાઇરસના વધારે કેસ હોવાથી કડક પગલાના ભાગ રૂપે રાજ્યમાં રવિવારે સંપૂર્ણ બંધ જાહેર કરાયું હતું. પોલીસે સ્પષ્ટ કર્યું કે ખાનગી વાહનોને ફક્ત જરૂરી કામમાં જવાની છૂટ આપવામાં આવશે.
મુખ્યપ્રધાન પલાનીસ્વામીએ 30 જુલાઈએ જાહેરાત કરી હતી કે, સંક્રમણને ધ્યાનમાં રાખીને લોકડાઉનને ઓગસ્ટ સુધી લંબાવામાં આવ્યું છે અને તેનું કડક અમલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં નહીં આવે. આદેશ મુજબ રવિવારે શાકભાજી અને કરિયાણાની દુકાનો, હોટલ અને રેસ્ટોરેન્ટ સહિતની તમામ પ્રકારની દુકાનો બંધ રહી હતી અને વાહનોની અવર-જવર ન થવાને કારણે રસ્તાઓ ખાલી પડ્યા હતા.