જામનગરની લોકસભા બેઠકમાં જોઈએ તો કાલાવાડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા વિધાનસભાનો સમાવેશ થાય છે. જેમાં કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર દક્ષિણ, જામજોધપુર વિધાનસભા બેઠકો પર પાટીદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ સિવાય આહીર જ્ઞાતિ પણ આ લોકસભા બેઠક પર મોટું સ્થાન ધરાવે છે.
હાલમાં ભાજપના પૂનમ માડમ જામનગર લોકસભાના સાંસદ છે, તો જામનગર લોકસભામાં આવતી કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામજોધપુર, જામ ખંભાળિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના તો જામનગર ઉત્તર-દક્ષિણ, દ્વારકા વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્યો છે.
સૌરાષ્ટ્રનો જામનગર જિલ્લામાં માડમ પરિવારનો રાજકીય દબદબો છે. જામનગર સંસદીય બેઠક ઉપરથી ૨૦૦૯માં વિક્રમભાઇ માડમ સંસદપદે ચૂંટાયા હતા. જ્યારે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં સાંસદ તરીકે પૂનમબહેન માડમ ચૂંટાયા હતા. પણ આશ્ચર્યની વાત એ છે કે, છેલ્લા ૬૦ વર્ષથી જામનગર જિલ્લામાં માડમ પરિવારનો રાજકીય દબદબો માનવામાં આવે છે. માડમ પરિવારને કોઇપણ રાજકીય પક્ષના પીઠબળની જરૂરિયાત નથી. જામનગરમાં નામની પાછળ માડમ હોવું તે રાજકીય વર્ચસ્વની કહાની છે. જામનગર જિલ્લામાં માડમ પરિવારના રાજકીય સફરની શરૂઆત આશરે ૬૦ વર્ષ પહેલાં થઇ હતી. માડમ પરિવારના મોભી મનાતા રામભાઇ માડમ નવાગામ ઘેડના સરપંચ તરીકે ચૂંટાયા હતા, પછી સતત ૬૦ વર્ષથી માડમ પરિવારના સભ્યોનો જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે ધારાસભ્યની બેઠક હોય કે પછી લોકસભાની બેઠક હોય રાજકીય દબદબો રહ્યો છે.
![ડિઝાઇન ફોટો](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/2699243_23_d9c76173-6719-474d-bbcb-80f047e8396c.png)
સાંસદ પૂનમબહેન માડમના પિતા હેમંતભાઈ માડમ તેમણે ખભાળિયામાં અપક્ષ તરીકે ઊભા રહી ત્રણ ટર્મ સુધી ધારાસભ્યની ચૂંટણી જીત્યા હતા. તેથી જામનગરમાં માડમ પરિવારનો દબદબો વધ્યો હતો. તેઓના અવસાન બાદ થોડો સમય શૂન્ય અવકાશ રહ્યો હતો. તે દરમિયાન ઘેલુભાઈ માડમ ધારાસભાની ચૂંટણી લડયા હતાં. પરંતુ બાદમાં નવાગામ ઘેડ, નગર પાલિકા બનતા તેના પ્રમુખ વિક્રમભાઈ માડમ તેમજ કેશુભાઈ માડમ બની ચૂક્યા હતાં. આ ઉપરાંત તેમના જ કુંટુંબના પ્રવીણભાઈ માડમ જે મહાનગરપાલિકામાં પાંચ ટર્મથી ચૂંટણી જીતતા આવે છે. તેઓ પહેલા અપક્ષ તરીકે લડતા હતા પછી તેમણે કોંગ્રેસમાંથી અને હવે છેલ્લા બે ટર્મથી ભાજપમાંથી ચૂંટાય છે. માડમ પરિવારના પ્રવીણભાઈ ઉપરાંત કેશુભાઈ માડમ, કિશનભાઈ માડમ અને રચનાબેન નંદાણિયા પણ કોર્પોરેટર તરીકે ચૂંટાય ચૂક્યા છે. એક માત્ર હાલ અલ્કાબેન માડમ ચૂંટણી લડયા નથી. વિક્રમભાઈ માડમ ભાણવડમાં એક વખત હાર્યા બાદ જબરજસ્ત ટક્કર આપી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. ત્યારબાદ તેઓ બે ટર્મ સુધી સાંસદ તરીકે ચૂંટાયા હતાં. ગત ચૂંટણીમાં તેમની ભત્રીજી પૂનમબેન માડમ સામે હારી ગયા હતાં. જામનગરના રાજકારણ ભાજપ કે કોંગ્રેસ પણ માડમ પરિવારનો દબદબો બંને પક્ષમાં હંમેશાં રહ્યા છે. ૨૦૧૪ની ચૂંટણીમાં કાકા-ભત્રીજીનો મુકાબલો દેશભરમાં ચર્ચામાં રહ્યો.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાયા હતા. તે વખતે જામનગર લોકસભા બેઠક કબજે કરવા માટે ભાજપે ગજબ રણનીતિ અપનાવી હતી. તેમણે બે ટર્મથી જામનગર લોકસભા બેઠકના સાંસદ વિક્રમભાઇ માડમને હરાવવા માટે તેમની સામે તેમના ભત્રીજી પૂનમબહેન માડમને મેદાનમાં ઉતાર્યા હતા. સ્થિતિ એવી હતી કે, આ જામનગર લોકસભા બેઠક કાકા-ભત્રીજીના મુકાબલાને લીધે દેશભરમાં ચર્ચામાં રહી હતી. જોકે, બે ટર્મથી સાંસદ વિક્રમ માડમને તેમના ભત્રીજીની સામે હારનો સ્વાદ ચાખવો પડયો હતો. આમ જામનગરમાં તો માડમ પરિવારનો રાજકીય દબદબો કાકાને બદલે ભત્રીજીએ સંભાળ્યો હતો.
લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ જતાં ક્યાંકને ક્યાંક બંને મુખ્યપક્ષોમાં લોકસભાનો માહોલ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. જામનગર બેઠક પર વર્ષ 2014માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ભાજપના પુનમબેન માડમ જંગી મતોથી વિજેતા થતા કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમની હાર થઈ હતી.