મુંબઈ: બોલિવુડના સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં આત્મહત્યા કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ડ્રગ સિન્ડિકેટ નેક્સસની તપાસ માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની મદદ લીધી છે.
EDના સૂત્રએ જણાવ્યું હતું કે, નાણાકીય તપાસ એજન્સીએ NCBને ડ્રગ એંગલની તપાસ માટે મદદ માંગતો પત્ર લખ્યો છે. ED જાણવા માગે છે કે, સુશાંત સિંહના મૃત્યુના કેસમાં કોઈ ડ્રગ સંડોવણી છે કે કેમ.
EDએ બિહાર પોલીસની FIRને આધારે 31 જુલાઇએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. બિહાર પોલીસ FIR સુશાંત સિંહના પિતાની ફરિયાદ પછી લખાઈ હતી. આ કેસમાં, ઇડીએ સુશાંતના પિતા - પ્રિયંકા સિંહ, મિતુ સિંહના નિવેદનો પહેલાથી જ નોંધ્યા છે.
EDએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક, ઇન્દ્રજિતના નિવેદનો પણ રેકોર્ડ કર્યા છે. આ સિવાય EDએ સુશાંતના પૂર્વ મેનેજર, ફ્લેટમેટ સિદ્ધાર્થ પિથાની, ગૃહના સંચાલક સેમ્યુઅલ મીરાંડા, CA સંદીપ વગેરેની પણ પૂછપરછ કરી છે.
આ દરમિયાન મંગળવારે CBIની ટીમે સુશાંતના અંગત સ્ટાફ નીરજ સિંહની સિદ્ધાર્થ પીઠાણીની પૂછપરછ ચાલુ રાખી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર CBIએ મુંબઈ પોલીસના બે અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા છે.
CBIની ટીમે ફોરેન્સિક ટીમ સાથે બે વાર સુશાંતના ફ્લેટની પણ મુલાકાત લીધી હતી. CBIએ છેલ્લા 4 દિવસમાં 2 વાર વોટરસ્ટોન રિસોર્ટની મુલાકાત લીધી હતી. CBIની ટીમ કૂપર હોસ્પિટલ પણ ગઈ હતી, જ્યાં સુશાંતનું ઓટોપ્સી થયું હતું.
CBIએ હજૂ સુધી રિયા ચક્રવર્તી અને તેના પરિવારના સભ્યોને પૂછપરછ માટે બોલાવ્યા નથી. સુશાંતના ઓટોપ્સી રિપોર્ટને સમજવા માટે CBIએ એઈમ્સના ફોરેન્સિક વિભાગની પણ મદદ માગી છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ CBIએ સુશાંતના મોત મામલે તપાસનો હવાલો સંભાળી લીધો છે, ત્યારથી તપાસને વેગ મળ્યો છે.