મહારાષ્ટ્રમાં શનિવારે ભાજપના દેવેન્દ્ર ફડણવીસે મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા બાદ એનસીપી, શિવસેના અને કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. સવારે 11ઃ30 કલાકે શરૂ થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે અનેક મુદ્દા નોંધ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં બંને પક્ષના વકીલોએ દલીલ કરી હતી. કોંગ્રેસ-NCP-શિવસેના તરફથી કપિલ સિબ્બલે પક્ષ રજૂ કર્યો હતો, જ્યારે સરકાર પક્ષે બકૌલ રોહતગીએ પક્ષ રજૂ કર્યો. કોર્ટમાં નીચે મુજબની દલીલ થઈ હતી.
- રાજ્યપાલે પ્રક્રિયાનું પાલન નથી કર્યું: સિંધવી
- રાજ્યપાલનો નિર્ણય બદલી ન શકાય: રોહતગી
- જોડતોડને રોકવા ફ્લોર ટેસ્ટ જરૂરી: સિંધવી
- બહુમત હોય તો આજે જ સાબિત કરવામાં આવે: સિબ્બલ
- કોર્ટ આજે અથવા તો કાલે ફ્લોર ટેસ્ટનો નિર્ણય કરે: સિંધવી
- NCPના 41 ધારાસભ્યોએ કહ્યું, અજિત સાથે નહિં: સિંધવી
- ભારતીય લોકતંત્રમાં આવી ઘટના થઈ નથી: સિબ્બલ
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને નોટીસ પાઠવી જવાબ માંગ્યો છે. તેમજ તમામ પક્ષકારોને નોટીસ પાઠવી આ અંગેના તમામ જરૂરી દસ્તાવેજો જમા કરાવવા જણાવ્યું છે.આ ઉપરાંત રાષ્ટ્રપતિ શાસન કેવી રીતે હટાવવામાં આવ્યું તે અંગે પણ દસ્તાવેજની માગણી કરી છે.
શનિવારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યપ્રધાન પદે શપથ લીધા હતા, જ્યારે અજિત પવારે એનસીપીના ધારાસભ્યોનો સમર્થન પત્ર સાથે નાયબ મુખ્યપ્રધાન પદે શપથ લીધા હતા. જેની સામે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી આક્રમક બન્યા હતા. ત્રણેય પક્ષે પત્રકાર પરિષદનું આયોજન કર્યા બાદ મોડી રાત સુધી હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. બાદમાં સુપ્રીમ કોર્ટમાં શપથવિધિ સામે અરજી કરી હતી. જેની પર રવિવારે સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને સાંભળ્યા બાદ સોમવાર 10ઃ30 કલાક સુધી સુનાવણી મુલતવી રાખી છે.
કોંગ્રેસ નેતા અશોક ચૌહાણે કહ્યું કે હું સુપ્રીમ કોર્ટનો આભારી છુ. આવતીકાલે 10ઃ30 કલાકે ફરીથી સુનાવણી થશે. તમામ દસ્તાવેજો માગ્યા છે. અમારી માગ છે કે ફડણવીસની સરકાર ગેરબંધારણીય છે. અમને આશા છે કે અમે જે દસ્તાવેજ રજૂ કર્યા છે તેનાથી સુપ્રીમ કોર્ટ અમારા પક્ષમાં નિર્ણય આપશે. અમે કોર્ટ સમક્ષ ફ્લોર ટેસ્ટની માગણી કરીએ છે.
એનસીપી નેતા નવાબ મલિકે પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમારા પાસે 49 ધારાસભ્યો હતા, બે અન્ય ધારાસભ્યો પણ સંપર્કમાં છે. એક ધારાસભ્યએ વીડિયો પણ જાહેર કર્યો છે. અજીત પવારના મુદ્દે કહ્યું કે તેઓ ભૂલ સુધારશે. શરદ પવાર ધારાસભ્યોને મળશે, અમે કોર્ટના આદેશનું સન્માન કરીએ છે. અમારી પાસે બહુમતી છે. અમે ફ્લોર ટેસ્ટ માટે આદેશ કરાય તેવી માગ કરીએ છે.