- બ્રિટિશ કાળથી ચાલી રહ્યો છે જમીન માલિકીનો વિવાદ
- મુગલ સામ્રાજ્ય દરમિયાન કરાયું હતું મસ્જિદનું નિર્માણ
- અરજીમાં મસ્જિદ હટાવવાની માગ
મથુરા: શ્રીકૃષ્ણ જન્મભૂમિ પરના માલિકી હક્ક મુદ્દે દાખલ થયેલી અરજી પર આગામી સુનાવણી 10 ડિસેમ્બરે યોજાશે. આ કેસના એક પક્ષકાર શ્રીકૃષ્ણ જન્મભૂમિ સેવા ટ્રસ્ટ કોર્ટમાં હાજર ન થતાં આ અંગે આગામી સુનાવણી 10 ડિસેમ્બરે નક્કી કરવામાં આવી છે. આ કેસમાં બુધવારે સવારે 11 વાગે સુનાવણી યોજાવાની હતી પરંતુ એક પક્ષકારની ગેરહાજરીના લીધે સુનાવણી ટાળી દેવામાં આવી હતી. આ પરિસરને મસ્જિદ મુક્ત બનાવવા માટેની માગ સાથે સુપ્રીમ કોર્ટના અધિવક્તા દ્વારા ગત 25 સપ્ટેમ્બરે અરજી આપવામાં આવી હતી.
શાહી ઇદગાહ મસ્જિદને લીધે ચાલી રહ્યો છે વિવાદ
શ્રીકૃષ્ણ જન્મસ્થાન પરિસર 13.37 એકરમાં ફેલાયેલું છે. આ જગ્યા પર લીલા મંચ, ભાગવત ભવન અને દોઢ એકર જમીનમાં શાહી ઇદગાહ મસ્જિદ બનેલી છે. સુપ્રીમ કોર્ટના અધિવક્તા હરિશંકર જૈન, વિષ્ણુશંકર જૈન, રંજના અગ્નિહોત્રી સહિત 5 લોકોએ માલિકી હક અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી મસ્જિદ હટાવવાની માગ કરી હતી.
શું હતી સમગ્ર ઘટના?
બ્રિટિશ શાસનકાળમાં 1815માં નિલામીમાં બનારસના રાજા પટની મલે આ જમીન ખરીદી હતી. 1940માં પંડિત મદન મોહન માલવીય જ્યારે અહીં આવ્યા ત્યારે આ જગ્યાની હાલત જોઈને તેમને દુઃખ થયું. સ્થાનિકોએ પણ આ જગ્યાએ મંદિર બનવું જોઈએ તેવી માગ કરી. મદન મોહન માલવીયએ તે સમયના ઉદ્યોગપતિ જુગલ કિશોર બીડલાને પત્ર લખી પુનઃઉદ્ધાર કરવા જણાવ્યું. 21 ફેબ્રુઆરી 1951માં શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. 12 ઑક્ટોબર 1968માં કટરા કેશવદેવ મંદિર જે શ્રીકૃષ્ણનું જન્મસ્થાન ગણાય છે, તેની જમીનનો સોદો શ્રીકૃષ્ણ જન્મસ્થાન સોસાયટી દ્વારા કરવામાં આવ્યો. 20 જુલાઈ 1973માં જમીન ડિક્રી કરવાના મુદ્દે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી.
જાણકારોનું કહેવું છે કે, ભગવાન શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભે અહીં કેશવ દેવ મંદિરની સ્થાપના કરી હતી. મુગલ સામ્રાજ્ય દરમિયાન ઔરંગઝેબે મંદિર ધ્વસ્ત કરી શાહી ઇદગાહ મસ્જિદનું નિર્માણ કર્યું હતું. પરંતુ કટરા કેશવ દેવ મંદિરને જ મૂળ ભગવાનનું જન્મસ્થાન માનવામાં આવે છે.