નવી દિલ્હી: કોરોનાના વધતા કેસો વચ્ચે દેશમાં અનલોક પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે આગામી 21 સપ્ટેમ્બરથી શાળાને આંશિક રીતે ખોલવાની મંજૂરી આપી દીધી છે. સરકારના આદેશ મુજબ સ્વૈચ્છિક ધોરણે 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવામાં આવશે.
કેન્દ્રએ જાહેર કરેલી SOPનું તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પાલન કરવું પડશે. આ અંતર્ગત શાળાની અંદર કઇ સુવિધા હોવી જોઇએ તે અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.
- માતા-પિતાની લેખિત સંમતિ સાથે વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ શકશે
- 6 ફૂટનું અંતર રાખવું આવશ્યક, થૂંકવા પર પ્રતિબંધ
- માસ્કનો ઉપયોગ ફરજિયાત
- કન્ટેનમેન્ટ ઝોનમાં આવતી શાળાઓ ખુલશે નહીં
મળતી માહિતી મુજબ, સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે કન્ટેનમેન્ટ ઝોનની બહારની શાળાઓ જ ખોલવામાં આવશે.
સરકારે પોતાના આદેશમાં સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોને સર્વોચ્ય ગણી ઘણી સૂચના આપી છે. આ સાથે જ સરકારે કહ્યું કે, ડિસ્ટન્સ લર્નિંગ ચાલુ રાખવામાં આવશે અને આને પ્રોત્સાહન આપવાની જરૂર છે.
આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં કોરોનાના લક્ષણો નહીં હોય, તેમને જ સ્કૂલમાં જવાની પરવાનગી આપવામાં આવશે. કોઈ વિદ્યાર્થી કે શિક્ષકમાં કોરોનાના લક્ષણો દેખાશે, તે તેમને કોરોના રિપોર્ટ કરાવવો પડશે.