માત્ર 11 સેકન્ડમાં 100 મીટરની દોડ. અશક્ય લાગતી આ વાત મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના નરવર ગામના રામેશ્વર ગુર્જર ઉર્ફે દરોગા માટે રમતની વાત છે. બંદુકની બુલેટની ગતિએ દોડતા રામેશ્વરનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોને પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહે સોશ્યલ મીડિયા ઉપર શેર કરી મુખ્યપ્રધાન કમલનાથને આ યુવાન પર ધ્યાન આપવા અપીલ કરી હતી. વીડિયો જોયા પછી મધ્યપ્રદેશના રમત-ગમત પ્રધાન જીતુ પટવારીએ રામેશ્વરને ભોપાલ બોલાવ્યો હતો. કેન્દ્રીય પ્રધાન કિરણ રિજીજુએ પણ તેની પ્રશંસા કરી હતી. જીતુ પટવારીએ જાહેરાત કરી હતી કે, સરકાર રામેશ્વરને પ્રોફેશનલ ટ્રેનર પાસે તાલીમ અપાવશે.
સરકાર તરફથી મદદ મળ્યા પછી રામેશ્વર ગુર્જરે કહ્યુ હતું કે, તેની ઈચ્છા દેશને સન્માન અપાવવાની છે. તે પદક જીતવા માગે છે. સરકારે તેમની ઉપર જે વિશ્વાસ મુક્યો છે તે તોડશે નહીં.
જો રામેશ્વરને તાલીમ મળશે તો તે સૌથી ઝડપી દોડવીર ઉસૈન બોલ્ટનો રેકોર્ડ તોડવાની પણ તાકાત ધરાવે છે. ઉસૈન બોલ્ટનો 9.58 સેકન્ડમાં 100 મીટર દોડવાનો રેકોર્ડ છે. જ્યારે રામેશ્વર પ્રશિક્ષણ વગર જ 10.16 સેકન્ડમાં 100 મીટર દોડી શકે છે.