વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીના નામે વધુ એક કિર્તીમાન જોડાઈ ગયું છે. ફાઇટર વિમાન રાફેલના સ્ક્વોડ્રન ગોલ્ડન એરોમાં વારાણસીની પ્રથમ મહિલા ફ્લાઈટ લેફ્ટનન્ટ શિવાંગી સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શિવાંગીની પોસ્ટિંગ હાલ રાજસ્થાનમાં છે. શિવાંગીના બાળપણ વિશે તેની માતાએ કહ્યું કે, તે શરૂઆતથી જ આશાસ્પદ હતી. પ્રારંભિક શિક્ષણ પછી, તે ઉચ્ચ શિક્ષણ માટે બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) ગઈ. એક મહિનાની તાલીમ માટે ક્વોલિફાય થયા પછી તે હવે રાફેલની ટીમનો ભાગ બની ગઈ છે.
શિવાંગીના પિતાએ કહ્યું કે અમને અમારી પુત્રી પર ગર્વ છે. તે દેશનું નામ રોશન કરશે. તે બીએચયુમાં નેશનલ કેડેટ કોર્પ્સમાં 7 યુપી એર સ્ક્વોડ્રોનનો હિસ્સો હતી. તે 2013 થી 2015 દરમિયાન બીએચયુની એનસીસી કેડેટ હતી. સાથે જ સનબીમ ભગવાનપુરથી બી.એસ.સી કર્યું હતું.
શિવાંગીએ વર્ષ 2013માં દિલ્હીમાં રિપબ્લિક ડે પરેડમાં ઉત્તર પ્રદેશની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે 2016માં તાલીમ માટે એરફોર્સ એકેડેમીમાં જોડાઈ હતી. 16 ડિસેમ્બર 2017ના રોજ, તેને હૈદરાબાદની એરફોર્સ એકેડેમીમાં ફાઇટર પાઇલટનો ખિતાબ મળ્યો. હૈદરાબાદમાં તાલીમ પૂર્ણ કર્યા બાદ શિવાંગી હાલમાં મિગ -21ની ફાઇટર પાઇલટ છે.
શિવાંગીના પિતાએ કહ્યું કે, પુત્રીઓનું માન વધ્યું છે. તેણે જણાવ્યું કે, પુત્રી સાથે વાત કરતા એક દિવસ પહેલા આ માહિતી મળી હતી. અમને અમારી પુત્રી પર ગર્વ છે. તે અન્ય પુત્રીઓ માટે ઉદાહરણ બની છે. આને જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવતાં તેમણે કહ્યું કે, હવે માત્ર યુવતીઓને રાફેલ ઉડાતા જોવાનું સપનું, તે પણ પૂર્ણ થઇ જશે. શિવાંગીની માતા સીમા સિંહ ગૃહિણી છે અને ભાઈ મયંક બનારસમાં 12 ધોરણમાં અભ્યાસ કરે છે.