ભારત પાકિસ્તાને કાશ્મીરને એક ઈંચ જમીન પણ નહીં આપે-શશિ થરુર
કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને આડે હાથે લેતા થરુરે કહ્યુ હતું કે, વિપક્ષમાં હોવાથી તેમની ફરજ છે કે, સત્તાધારી પક્ષના જે નિર્ણય અને કામથી તેઓ સંતુષ્ટ ન હોય તેની ટીકા-ટિપ્પણી અને વિરોધ કરે, પરંતુ આ તેમના ઘરનો મામલો છે. જેમાં કોઈ ત્રીજાએ દખલ દેવાની જરુર નથી. તેમણે કહ્યુ હતું કે, ભારતની અંદર શું થાય છે તેમાં પાકિસ્તાનને કોઈ લેવાદેવા નથી. તે અમારી આંતરીક બાબત છે. અમે વિપક્ષમાં હોવાથી સવાલ ઉઠાવી શકીએ, પરંતુ કોઈપણ બહારના દેશને અમારી ગતિવિધીઓ પર સવાલ ઉઠાવવાનો હક્ક નથી. સરકાર દ્વારા લેવાયેલા દેશહિતના નિર્ણયોમાં અમે એકજુટ છીએ.
પાકિસ્તાન પહેલા પોતાનો ભુતકાળ જુએ
પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં લઈ ગયુ છે. પાકિસ્તાનના આ હવાતિયા અંગે શશિ થરુરે કહ્યુ હતું કે, પાકિસ્તાને ગિલગિત-બલુચિસ્તાન અને પીઓકેનો દરજ્જો બદલ્યો હતો. જે પછી ભારત પર આંગળી ઉઠાવવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી. તેમણે ઉમેર્યુ હતું કે, કાશ્મીરના લોકોને ઈન્ટરનેટની સુવિધા ન આપવા પર અને નેતાઓને નજરબંધ કરવા અંગે અમે ફરિયાદ કરી છે. તેમને જેમ બને તેમ જલ્દી મુક્ત કરવા જોઈએ. તેનો મતલબ એ નથી કે ભારતના આંતરીક મુદ્દાઓનો પાકિસ્તાન પોતાના ફાયદા માટે ઉપયોગ કરે.