લખનઉ: મહારાષ્ટ્રમાં ભાજપને હરાવી NCP (નેશનલ કોંગ્રસ પાર્ટી)ના અધ્યક્ષ શરદ પવારની નજર હવે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ પર છે અને તે પાર્ટીનું સંગઠન અહીંયા મજબૂત કરવા માગે છે. પ્રદેશ કાર્યકર્તા સંમ્મેલનમાં લખનઉ પહોંચેલા શરદ પવારે કહ્યું કે, દેશમાં વિચિત્ર પ્રકારનો માહોલ છે. જેમની પાસે સત્તા છે, તેમણે જનતાની સમસ્યામાં આંખ આડા કાન કર્યા છે. દેશના ઈતિહાસમાં ઉત્તર પ્રદેશનું અલગ સ્થાન છે. સ્વતંત્રતા આંદોલનમાં બહુ મોટું યોગદાન છે. સૌથી વધુ નેતા ઉત્તર પ્રદેશે આપ્યા છે. દેશને સાચા રસ્તે લાવવાની ક્ષમતા ઉત્તર પ્રદેશમાં છે.
પવારે રામ મંદિર અંગે પણ મોટું નિવેદન આપ્યું છે. હું સરકારને પૂછું કે, જો મંદિર માટે ટ્રસ્ટ બની શકે, તો મસ્જિદ માટે કેમ નહીં? આ દેશ તમામ લોકોનો છે, સરકાર પણ તમામ લોકોની છે, સરકાર પર તમામનો હક્ક છે. ભાજપ એક પછી એક રાજ્યોમાં ચૂંટણી હારી રહી છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં તો ભાજપે સંપૂર્ણ તાકાત લગાવી હતી. વડાપ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ પણ સક્રિય હતા. ભાજપના નેતાઓની ડ્યૂટી લગાવી દીધી હતી. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિત ઘણા ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોની લાઈન લગાવી દીધી હતી, પરંતુ દિલ્હીની જનતાએ દેખાડી દીધું કે, દેશ બદલાઈ રહ્યો છે.
પવારે કહ્યું કે, ગત 5 વર્ષમાં તમામ ક્ષેત્રે બેરાજગારીમાં વધારો થયો છે. બેરોજગારી રહેશે તો ભારતમાં શાંતિ કેવી રીતે રહેશે? આજના યુવાનોને રોજગારી માટે અન્ય રાજ્યમાં સ્થળાંતર કરવું પડે છે, જે યોગ્ય ન કહેવાય. સરકારે બેરોજગારી પર કાબૂ કેવી રીતે મેળવવો તે અંગે જવાબ આપવો જોઈએ. આજે ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર થઇ રહ્યા છે. ખાતર અને તેલની કિંમત સતત વધી રહી છે. બેન્કો અને સાહુકારોને રૂપિયા ચૂકવી શકતા નથી, જેથી આબરૂ બચવવા આત્મહત્યા કરી રહ્યા છે. જે દેશનું દુર્ભાગ્ય છે.
પવારે કહ્યું કે, 2004માં જ્યારે હું કૃષિ પ્રધાન બન્યો હતો, ત્યારે શપથના પ્રથમ દિવસે મારી સામે ફાઈલ આવી હતી. જેમાંથી મને ખ્યાલ આવ્યો કે, દેશમાં ઘઉં નથી અને બહારથી આયાત કરવાની જરૂર છે. જે જાણકારીથી ખૂબ જ દુ:ખ થયું. એટલો મોટો દેશ હોવા છતાં આપણે અમેરિકા, બ્રાજિલ અને ઑસ્ટ્રેલિયાથી ઘઉં આયાત કરવા પડે છે. બીજા દિવસે તાત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહનો ફોન આવ્યો કે, ગોડાઉનમાં અનાજ ઓછું છે. જેથી ટૂંક સમયમાં વ્યવસ્થા કરો. મેં મારા મનની વિરૂદ્ધ જઇને વિદેશમાંથી ઘઉં મંગાવ્યા અને ત્યારે જ નિર્ણય કર્યો કે, સ્થિતિમાં બદલાવ લાવવો છે.
પવારે કહ્યું કે, 2014માં મેં જ્યારે કૃષિ પ્રધાનનું પદ છોડ્યું ત્યારે ખુશી એ વાતની થઇ કે, 2004માં આયાત કરવા પડ્યા હતા, પરંતુ 2014માં પદ છોડ્યું ત્યારે ભારત દુનિયામાં અનાજ મોકલનારો દેશ બની ગયો હતો. ભારતે પ્રથમ નંબરે ચોખાનું ઉત્પાદન કર્યું અને ચોખા નિકાસ કર્યાં. બીજા નંબરે ઘઉંનું ઉત્પાદન કર્યું અને ઘઉંનો નિકાસ કર્યા.