મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વસંતદાદા પાટીલની પત્ની શાલિની પાટીલે રવિવારના રોજ કહ્યું કે, 'સમયનું ચક્ર ચાલી રહ્યું છે અને અજિત પવારનું આ કદમ 41 વર્ષ પહેલા શરદ પવારે જે કર્યું હતુ તેનો પાઠ છે.'
ઉલ્લેખનીય છે કે, શનિવારના રોજ શરદ પવારનો ભત્રીજો અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી નેતા અજિત પવાર પાર્ટીના કેટલાક ધારાસભ્યો સાથે રાજભવન ગયા અને નાટકીય રીતે નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા જ્યારે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે CM તરીકે શપથ લીધા. તે પછી શરદ પવારે પોતાના પરિવારને બચાવવા ધારાસભ્યોને હોટેલમાં રાખવા પડ્યા હતા.
શાલિનીએ કહ્યું કે, 'શરદ પવારે જેવો વ્યવહાર વસંતરાવ સાથે કર્યો હતો તેવો જ અનુભવ તેને ત્યારે થયો જ્યારે અજિત પવારે ભાજપ સાથે ગઠબંધન કર્યું'
શાલિની પાટીલે કહ્યું કે, સત્તા પર કબ્જો કરવા માટે 1978માં શરદ પવારે વિશ્વાસઘાત કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, પવારે વસંતદાદા સાથે સીધી વાત કરવાની જરુર હતી પરંતુ તેમણે વાત કર્યા વીના જ ગુપ્ત રીતે ધારાસભ્યોને તોડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 1978માં કોંગ્રેસ(એસ) એ 69 બેઠકો અને કોંગ્રેસ (આઈ) ને 65 બેઠકો પર જીત મળી હતી. જનતા પાર્ટીના ખાતામાં 99 બેઠકો આવી હતી અને કોઈપણ પક્ષને બહુમતી મળી નહોતી.