નવી દિલ્હી: રાજકીય અને ધાર્મિક રીતે અતિસંવેદનશીલ અયોધ્યા કેસ પર નિર્ણય આવી ગયો છે. આ કેસમાં ચુકાદો આપવામાં સંસ્કૃત, હિન્દી, ઉર્દુ, ફારસી, તુર્ક, ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષાના ઈતિહાસ, સંસ્કૃતિ, ધાર્મિક અને પુરાતત્વ સાથે જોડાયેલી પુસ્તકો અને તેના અનુવાદિત સંસ્કરણોએ સુપ્રીમ કોર્ટની વિશેષ ખંડપીઠના છેલ્લે સુધી સાથ આપ્યો છે.
જો કે, આ પુસ્તકો પર વિશ્વાસ કરવામાં કોર્ટે ઘણી સાવધાની રાખવી પડી હતી. કારણ કે, ઈતિહાસના કોઈ પણ વિષય પર અવલોકન કરવાનું હંમેશા ખતરનાક સાબિત થાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી ખાસ ખંડપીઠે 533 દસ્તાવેજોને પુરાવા તરીકે સામેલ કર્યા હતા. જેમાં ધાર્મિક પુસ્તકો, યાત્રા વૃતાંત, પુરાતાત્વિક ખોદાણના રિપોર્ટ, મસ્જિદ સંબંધિત તસ્વીર અને કલાકૃતિઓ સામેલ છે.
આ ખંડપીઠમાં ચીફ જસ્ટિસની સાથે સાથે ન્યાયમૂર્તી એસ. એ બોબડે, ન્યાયમૂર્તી ડી.વાઈ. ચંન્દ્રચૂડ, ન્યાયમૂર્તી અશોક ભૂષણ અને ન્યાયમૂર્તી એસ.એ.નજીર સામેલ હતા. દસ્તાવેજી પુરાવામાં ગેજેટ અને થાંભલા પર લેખના અનુવાદ પણ સામેલ છે.
10 જાન્યુઆરી 2019 સુપ્રીમ કોર્ટે પોતાની રજીસ્ટ્રીને આદેશ આપ્યો હતો કે, તેઓ રેકોર્ડની તપાસ કરે અને જરુર જણાતા ઔપચારિક દુભાષિયાની પણ મદદ લઈ શકે.
પણ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક સંદર્ભોના ઉપયોગમાં ઘણી સાવધાની રાખી છે. પીઠનું કહેવું છે કે, ઈતિહાસનું અવલોકન ઘણું ખતરનાક હોય છે.
1045 પાનાના ચુકાદામાં પીઠે કહ્યું હતું કે, ઐતિહાસિક રેકોર્ડ્સમાં ખામી દેખાઈ છે. જેવી રીતે આપણે બાબરનામામાં જોઈએ છીએ. અનુવાદ અલગ અલગ હોય છે અને તેમની પોતાની પણ અમુક મર્યાદા હોય છે. કોર્ટને આવા નકારાત્મક વિશ્લેષણથી બચવું જોઈએ, જે ઐતિહાસિક પુરાવામાં સામેલ જ નથી.
કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, હિસ્ટોરિયોગ્રાફીની મદદ વગર ઈતિહાસનું વિશ્લેષણ કરવું ખતરનાક સાબિત થાય છે.