ખાજૂવાલા: રવિવારે ભારત-પાક સરહદને અડીને આવેલા ખાજૂવાલા ગામના એક ખેડૂતના ખેતરમાંથી પાકિસ્તાનના ઝંડાના નિશાન સાથે 'આઝાદી મુબારક' લખેલો ફુગ્ગો મળી આવ્યો હતો. આ ઘટનાને લઈને સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે તેમજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ખાજૂવાલા ભારત-પાક સરહદે આવેલો એક સંવેદનશીલ વિસ્તાર છે. પાકિસ્તાનની સરહદને તે અડીને આવેલું હોવાથી આ વિસ્તારમાં ઘણીવાર દેશવિરોધી તત્વોની દખલ રહેતી હોય છે. રવિવારે આ વિસ્તારમાં પાકિસ્તાની ફુગ્ગો મળતા સુરક્ષા દળ તેમજ ખાનગી એજન્સીઓ સતર્ક થઇ હતી.
ફુગ્ગો જોઈને તરત ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. તેના પર 'દિલ-દિલ પાકિસ્તાન' લખ્યું છે તેમજ પાકિસ્તાની ઝંડા અને ચાંદ-તારાનું પણ નિશાન છે.
એવી પણ સંભાવના છે કે ગત 14મી ઑગસ્ટે પાકિસ્તાનના સ્વાતંત્ર્ય દિવસ ઉજવણી નિમિત્તે કોઈએ હવામાં આ ફુગ્ગો ઉડાડ્યો હોય જે પવનને લીધે ઉડીને સીમાપાર આવી ગયો હોય. હાલ પોલીસ અને એજન્સીઓ ઘટનાની તપાસમાં જોડાયેલી છે.