હૈદરાબાદ: ચીનના વુહાનમાં જેનાં મંડાણ થયાં અને જેણે આખી દુનિયાને પોતાની ઝપેટમાં લઇ લીધી, તે કોરોનાવાઇરસની મહામારીથી ઉગરવા માટે વિશ્વને અત્યારે કોરોનાની રસીની તાતી જરૂર છે.
તેને પગલે નૈતિક દ્રષ્ટિએ એક જટિલ દરખાસ્ત વેગ પકડી રહી છે કે, વોલન્ટીયર્સને એક પ્રયોગાત્મક રસી આપવી અને પછી તેમને હેતુપૂર્વક ચેપ લગાવવાનો પ્રયત્ન કરવો.
જોકે, વિજ્ઞાનીઓ એવી ચેતવણી આપે છે કે, વોલન્ટીયર્સને ઇરાદાપૂર્વક ચેપગ્રસ્ત કરીને વેક્સીનનું સ્પીડ ટેસ્ટિંગ કરવાની પ્રક્રિયા ઘણી જ ધીમી હોઇ શકે છે અને આમ કરવામાં ઓછામાં ઓછો એક વર્ષનો સમય લાગી શકે છે.
વેક્સિન ક્ષેત્રે અગ્રેસર પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના સ્ટેનલી પ્લોટકિન જણાવે છે કે, કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલી “માનવ પડકાર” (હ્યુમન ચેલેન્જ) ટ્રાયલ અત્યંત ઝડપથી વેક્સીનના મૂલ્યનો સ્પષ્ટ પુરાવો આપી શકે છે.
"જે લોકો આ પ્રકારની ભયંકર સમસ્યાનો સામનો કરતા હોય, તેઓ અસામાન્ય પગલાંનો વિકલ્પ અપનાવશે અને આપણે આપણા પૂર્વગ્રહો વિશે સતત ફેરવિચારણા કરવી પડશે," તેમ પ્લોટકિને કહ્યું હતું.
કોરોનાવાઇરસના ચેલેન્જ અભ્યાસો હાથ ધરવા માટેની સમાન પ્રકારની દરખાસ્ત જર્નલ ઓફ ઇન્ફેક્શિયસ ડિસીઝમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
હ્યુમન ચેલેન્જના અભ્યાસો બે સૈકાથી થતા આવ્યા છે અને અન્ય ચેપી બિમારીઓ માટે કેટલાક અભ્યાસો આજની તારીખે પણ હાથ ધરાય છે.
ઇ.સ. 1796માં એવર્ડ જેનરે આઠ વર્ષના છોકરાને કાઉપોક્સ આપીને તેને શીતળાના ઘાતક વાઇરસથી બચાવી લઇને રસીની અસરકારકતા સાબિત કરી હતી. જોકે, આ વલણે ચિંતા જન્માવી છે.
આજે, આવા પ્રયોગોએ આકરી નૈતિક સમીક્ષામાંથી પસાર થવું પડતું હોય છે અને આવા પ્રયોગો કરનારા સંશોધકો નવા કોરોનાવાઇરસ માટે હ્યુમન ચેલેન્જ પર અખતરો કરવા રાજી નથી.
ઇન્ફ્લુએન્ઝાના હ્યુમન ચેલેન્જ અભ્યાસો કરનારા અમેરિકન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝિસના ઇમ્યુનોલોજિસ્ટ મેથ્યૂ મેમોલીનું માનવું છે કે, કોવિડ-19 બિમારી અત્યંત નવતર પ્રકારની હોવાથી આ વાઇરસને કારણે લોકો કેટલી વખત ગંભીરપણે બિમાર પડશે કે પછી આ બિમારીથી તેમને લાંબા ગાળાની સમસ્યાઓ રહી જશે કે કેમ, તે અંગે અસ્પષ્ટતા પ્રવર્તે છે.
“જ્યારે તમે કોઇને હેતુપૂર્વક વિરસ આપી રહ્યા છો, ત્યારે તમે વાસ્તવમાં તે બિમારી વિશે સમજૂતી મેળવવા માંગો છો, જેથી તમે એ જાણો છો કે તમે જે કરી રહ્યા છો, તે એક જોખમી કાર્ય છે,” તેમ મેમોલીએ જણાવ્યું હતું.
સાથે જ તેમણે, નવતર બિમારીની યોગ્ય હ્યુમન ચેલેન્જ આટલી જલ્દી કેવી રીતે પાર પાડી શકાય, તે સામે પણ સવાલ કર્યો હતો.
40 વર્ષ કરતાં વધુ સમયથી ચેલેન્જના પ્રયોગો કરનાર યુનિવર્સિટી મેરિલેન્ડ સ્કૂલ ખાતેના વેક્સિન રિસર્ચર માયરોન લેવિનના મતે, કોવિડ-19ની રસી માટેની પરંપરાગત ક્લિનિકલ ટ્રાયલ્સ ઘણી ધીમી પુરવાર થશે.
જે રીતે વિશ્વમાં ઠેકઠેકાણે નવાં ઇન્ફેક્શન્સનું પ્રમાણ તીવ્ર ગતિએ વધી રહ્યું છે, તેને કારણે પરંપરાગત ટ્રાયલ્સ પાછળ હ્યુમન ચેલેન્જ જેટલો જ સમય લાગી જશે.
પ્લોટકિન તેમજ કોરોનાવાઇરસ ચેલેન્જ અભ્યાસોની હિમાયત કરનારા અન્ય અભ્યાસુઓ જણાવે છે કે, જેમનામાં ગંભીર લક્ષણો ઓછાં જણાય છે તેવા, અર્થાત્, 18થી 30 વર્ષની વયના પુખ્ત લોકોને અભ્યાસમાં સામેલ કરીને જોખમ ઘટાડી શકાય છે.
જોખમને વધારે નીચું કરવા માટે, આ ચેલેન્જમાં હળવાં લક્ષણો ધરાવનારી વ્યક્તિના કોરોનાવાઇરસ સ્ટ્રેનનો ઉપયોગ કરી શકાય છે.
એ બાબતે લેવિન અને મેમોલી પણ સંમત થાય છે કે, જો કોવિડ-19 માટેની અસરકારક દવા ઉપલબ્ધ હોય, તો જોખમ પ્રમાણમાં વધુ સ્વીકાર્ય બનશે.
નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી ખાતે બાયોએથિસિસ્ટ તરીકે ફરજ બજાવતાં સીમા શાહ પણ ભારે સંદેહ સાથે જણાવે છે કે, જો વોલન્ટીયર્સ એવી વ્યક્તિઓ હોય, કે જેઓ આ જોખમો ઊઠાવવા માટેની પૂરતી તાલીમ ધરાવતા હોય, જેમ કે, હેલ્થકેર વર્કર્સ, તો તેવી સ્થિતિમાં નૈતિક અભિપ્રાય પ્રયોગની તરફેણમાં જઇ શકે છે.
શાહ ખાસ કરીને મહામારીના સમયમાં ચેલેન્જ ટ્રાયલ્સની નૈતિકતાના નિવારણ માટે અને આવી ચેલેન્જ ક્યારે વાજબી છે, તે સ્પષ્ટીકૃત કરવા માટે એક સ્ટેન્ડિંગ કમિટિ સ્થાપવાની હિમાયત કરે છે.
સમયની જરૂરિયાતને જોતાં, વેક્સીન સમુદાય તમામ વિગતો વહેલી તકે તૈયાર કરી લે, તે હિતાવહ છે.
“વર્તમાન સમયમાં આપણે સૌ આ જટિલ સંવેદનાઓમાંથી પસાર થઇ રહ્યાં છીએ. તેવા સમયે જો આપણે એમ કહીએ, કે અમે સામાન્ય પ્રક્રિયામાં એક અપવાદરૂપ કાર્ય કરી રહ્યાં છીએ, તો પછી આપણે તે કાર્ય સચોટ રીતે કરવું પડશે,” તેમ શાહે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, નોવેલ કોરોનાવાઇરસની મહામારીનું એપીસેન્ટર ભલે ચીનના વુહાનમાં હોય, પણ હવે તે એક વૈશ્વિક રોગચાળો બની ચૂક્યો છે. વિશ્વના તમામ ખંડો આ વાઇરસની – દેશવ્યાપી ક્વોરન્ટાઇનથી લઇને વૈશ્વિક મંદી જેવી વિપરિતિ અસરોમાં સપડાઇ ચૂક્યા છે.