નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશ રાજ્ય ચૂંટણી પંચના વડાના કાર્યકાળને પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરવાના વટહુકમને રદ્દ કર્યો હતો. જેના સામે રાજ્ય સરકારની અપીલ અંગે રાજ્ય ચૂંટણી પંચ અને અન્ય લોકોને બુધવારે નોટિસ ફટકારવામાં આવી છે.
મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડે, ન્યાયમૂર્તિ એ.એસ. બોપન્ના અને ન્યાયાધીશ ઋષિકેશ રોયની ખંડપીઠે રાજ્ય ચૂંટણી પંચ અને એન રમેશકુમારને નોટિસ ફટકારી હતી, જ્યારે હાઈકોર્ટના આદેશ સામે રાજ્ય સરકારની અપીલ પર વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી. જો કે, ખંડપીઠે હાઈકોર્ટના આદેશ પર રોક લગાવાનો ઇનકાર કર્યો હતો.
હાઈકોર્ટે 10 એપ્રિલે વાય.એસ. જગન મોહન રેડ્ડી સરકાર દ્વારા જારી કરેલા વટહુકમને રદ્દ કરી અને રમેશકુમારને રાજ્ય ચૂંટણી પંચના વડા તરીકે પદભાર સંભાળવાનો આદેશ આપ્યો હતો. 11 એપ્રિલે મદ્રાસ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ વી. કનકરાજે રમેશ કુમારની જગ્યાએ રાજ્યના નવા ચૂંટણી કમિશનરનું પદ સંભાળ્યું હતું.
રાજ્ય સરકારના આ નિર્ણયને પૂર્વ અમલદાર રમેશ કુમાર અને કેટલાક અન્ય લોકોએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. 10 એપ્રિલે, રાજ્ય સરકારે આંધ્ર પ્રદેશ પંચાયત રાજ અધિનિયમ, 1994 માં સુધારો કરીને રાજ્યના ચૂંટણી કમિશનરની મુદત પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરી છે.