- 4 વર્ષ બાદ શશિકલાને જેલમાંથી મુક્તિ મળી
- અપ્રમાણસર મિલકતનાં કેસ હેઠળ જેલવાસ ભોગવી રહ્યા હતા
- ચેન્નઈ ખાતે પોતાની ભત્રીજીના ઘરે રોકાશે
બેંગલુરુ: ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝગમ(AIADMK)ના પૂર્વ નેતા વી.કે. શશિકલા સોમવારે સવારે તમિલનાડું જવા નિકળ્યા છે. તેઓ બેંગ્લોર ખાતે હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ હોટલમાં રોકાયા હતા. તેઓ પોતાની કારમાંથી બદાર એકત્ર થયેલા સમર્થકોને હાથ જોડીને અભિવાદન કરતા પણ નજરે પડ્યા હતા.
આજે સવારે બેંગલુરુમાં કન્નડ તરફી સંગઠનોના સભ્યોએ જે હોટલમાં શશિકલા રોકાયા હતા, તેનાં નજીકમાંથી તમિલ સાઇનબોર્ડ્સ હટાવી દીધા હતા. એક વિરોધકર્તાએ જણાવ્યું હતું કે, "શશિકલા સજા બાદ જેલની બહાર આવી રહ્યા છે અને તે અહીં રોકાયેલા છે. પરંતુ જ્યારે તેઓ આજે પાછા ફરી રહ્યા છે, ત્યારે અહીં તમિલ બોર્ડ લગાવવા ખોટા છે."
ચેન્નઈ ખાતે ભત્રીજીના ઘરે રોકાશે
શશિકલા બેંગલુરુમાં ક્વોરેન્ટાઇન પૂર્ણ કર્યા પછી આજે તમિલનાડુ પરત ફરી રહ્યા છે. તે ચેન્નઇના ટી.નગર વિસ્તારમાં ભત્રીજી જે. કૃષ્ણપ્રિયાના નિવાસ સ્થાને રોકાશે. કૃષ્ણપ્રિયા એ શશિકલાની ભાભી જે.ઇલાવરાસીની પુત્રી છે. રાજ્યમાં પરત ફરતા પહેલા ટી.નગરમાં શશિકલાને આવકારવા પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે.
આવકવેરા વિભાગે પકડી હતી 1600 કરોડની બેનામી સંપત્તિ
શશિકલાને 31 જાન્યુઆરીએ બેંગ્લુરુની વિક્ટોરિયા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યાં તેઓ કોવિડ-19ની સારવાર મેળવી રહ્યા હતા. સારવાર પૂર્ણ થયા બાદથી તેઓ ક્વોરેન્ટાઇનમાં હતા. અપ્રમાણસર સંપત્તિના કેસમાં ચાર વર્ષની જેલની સજા પુરી કર્યા બાદ તેઓને 27 જાન્યુઆરીએ સત્તાવાર રીતે મુક્ત કરવામાં આવ્યા હતા. 2019માં આવકવેરા વિભાગે બેનામી ટ્રાન્ઝેક્શન્સ એક્ટની જોગવાઈઓ હેઠળ તેમની પાસેની 1,600 કરોડની બેનામી સંપત્તિ પકડી હતી.