જયપુરઃ રાજસ્થાનમાં રાજકારણના ધમાસાણ વચ્ચે કોંગી ધારાસભ્ય ગિર્રાજ મલિંગાએ પૂર્વ ઉપ-મુખ્યપ્રધાન સચિન પાયલટ પર પૈસાની ઓફર આપવાનો આરોપ લગાવ્યો છે. મલિંગાએ દાવો કર્યો છે કે, સચિન પાયલટે તેમની સાથે આવવા માટે 35 કરોડ રૂપિયાની ઓફર આપી હતી.
સચિન પાયલટે હવે ગિર્રાજ મલિંગાની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહીનો નિર્ણય કર્યો છે. સચિન પાયલટના નજીકના સૂત્રો અનુસાર, પાયલટ હવે ગિર્રાજ મલિંગાની વિરૂદ્ધમાં જલ્દી કાનૂની કાર્યવાહી કરી નોટિસ મોકલશે.
મળતી માહિતી અનુસાર, મલિંગાએ સોમવારે મીડિયા સાથેની વાતચીતમાં એક નિવેદન આપ્યું હતું. ધારાસભ્યના નિવેદન બાદ સચિન પાયલટે પણ આ ધારાસભ્ય વિરૂદ્ધ કાનૂની કાર્યવાહીનો નિર્ણય લીધો છે. જાણકારી અનુસાર પાયલટે મલિંગાને કાનૂની નોટીસ આપી દિધી છે.
મંગળવારે થયેલી ધારાસભ્યોની બેઠકમાં મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ધારાસભ્યોને સંબોધન કરતા કહ્યું હતું કે, સત્ય જ ઈશ્વર છે, ઈશ્વર જ સત્ય છે અને સત્ય અમારી સાથે છે. જેથી કોઈ પણ સંજોગે જીત આપણી થશે. આ સાથે જ તેમણે કહ્યું કે, જે ધારાસભ્યો અમારી સાથે નથી તેઓ પણ અમને જ વોટ કરશે.
મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કોંગ્રેસી ધારાસભ્યોને કહ્યું કે, લોકો સંતાકુકડી રમી રહ્યા છે. તે સત્ય ન હોય શકે કારણ કે, સત્ય ક્યારેય છુપાતુ નથી. તેમણે વધુમાં કહ્યું કે, આજે સમગ્ર દેશમાં લોકતંત્રને નબળું કરવાના પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ રાજસ્થાનમાં કોંગ્રેસના ધારાસભ્યો સંપૂર્ણ દ્રઢતાથી પ્રદેશમાં લોકતંત્રને બચાવવાની મહેનત કરી રહ્યા છે જે સત્યની જીત ન થાય ત્યાં સુધી શરૂ રહેશે.