નવી દિલ્હી: રાજ્યસભાના સભાપતિ વેકૈયા નાયડૂએ સોમવારે વિપક્ષના 8 સાંસદોને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કર્યા છે. આ સાંસદોએ રવિવારના રોજ કૃષિ બિલ પર વોટિંગ પ્રકિયા દરમિયાન ઉપસભાપતિને કામ કરતા રોક્યા હતા.
જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં ડેરેક ઓ બ્રાઈન, રાજીવ સાતવ, સંજય સિંહ, કેકે રોગેશ, રિપુન બોરા, ડોલા સેન, સૈયદ નાસિર હુસૈન અને એલામારન કરીમ છે.
સભાપતિ વેકૈયા નાયડૂએ કહ્યું કે, રવિવારનો દિવસ રાજ્યસભા માટે ખુબ જ ખરાબ હતો. કેટલાક સભ્યો સદનની વેલમાં આવ્યા હતા. આ દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનીય છે.નાયડૂએ કહ્યું કે હું તમને બધાને સૂચન આપવા માગું છું કે સદનનું ગૌરવ જાળવવા માટે આત્મ નિરીક્ષણ કરો. માઇક તોડી નાંખ્યા. પુસ્તક ફાડી નાખ્યા. શું આ રીતે સંસદ ચાલશે?
વેંકૈયા નાયડૂએ વિપક્ષના એ પ્રસ્તાવને અનુમતિ આપી નહીં. જેમાં તેમણે ઉપસભાપતિ હરિવંશ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટીસ આપી હતી.
કૃષિ બીલને લઈને સંસદમાં હંગામો થયા બાદ કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમારે વિપક્ષ પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. તોમારે કહ્યું કે, વિપક્ષ માત્ર દેશને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યો છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, પ્રકાશ જાવડેકર, પ્રહલાદ જોશી, પિયુષ ગોયલ, થાવરચંદ ગેહલોત અને મુખ્તાર અબ્બાસ નકવીએ એક પત્રકાર પરિષદ યોજી હતી. રાજનાથસિંહે કહ્યું કે સ્વસ્થ લોકતંત્રમાં આવા વલણની અપેક્ષા રાખી શકાય નહીં.
સંસદના ચોમાસું સત્રના સાતમા દિવસે રવિવારે બિલ પસાર કરવા માટે મતદાન પ્રક્રિયા દરમિયાન વિપક્ષી સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. રોષે ભરાયેલા સાંસદો ઉપસભાપતિની ખુરશી તરફ જઈ પુસ્તકો ફેક્યા હતા.