કોવિડ-19 સામેનું વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે કેટલાક દેશોમાં આરોગ્ય કર્મચારીઓ વાયરસના ચેપને અટકાવવા માટે રોબૉટ્સનો ઉપયોગ કરી રહ્યા છે. કોરોના સામેની જંગમાં માનવજાતને મદદ કરતા આવા કેટલાક રોબૉટ્સની માહિતી નીચે આપેલી છેઃ
સપાટીઓ પર રહેલા વાઈરસોના નાશ માટે પારજાંબલી કિરણો
વાયરસ-ઝિપિંગ રોબૉટ તરીકે ઓળખાતું આ મશીન હોસ્પિટલોના ઓરડામાં પોતાની જાતે કામ કરે છે. આ મશીનમાંથી સમયાંતરે પારજાંબલી કિરણો ઉત્સર્જિત થાય છે અને હોસ્પિટલની વિવિધ સપાટીઓ પર રહેલા વાયરસોનો નાશ કરે છે.
5G મારફતે ટેલિ મેડિસિન્સમાં મદદ કરતા રોબૉટ્સ
આ અત્યાધુનિક રોબૉટ્સની મદદથી ડૉકટરો શહેરમાં કોઇ એક હોસ્પિટલમાં બેઠા બેઠા દૂર ગામડામાં રહેલા દર્દીઓના નિદાનનું વિશ્લેષણ કરી શકે છે. આ રોબૉટ્સના ઉપયોગની મદદથી અન્ય તબીબી સેવાઓ પણ આપી શકાય છે.
રોબૉટિક હેલ્પિંગ હેન્ડ
ચીનની રાજધાની બિજિંગ સ્થિત શિનહુઆ યુનિવર્સિટી દ્વારા એક રોબૉટ હેલ્પિંગ હેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે. દર્દીને એક પથારી પર સુવડાવવામાં આવે છે અને રોબૉટિક આર્મ દર્દીના મોંઢામાંથી ગંદા રૂના પુમડા એકત્ર કરવા જેવા અને અલ્ટ્રાસાઉન્ડ સ્કેનિંગ જેવા કામ કરે છે. બાદમાં ડૉક્ટરો માહિતીનું વિશ્લેષણ કરે છે અને દર્દી માટે સારવાર નક્કી કરે છે.
પેટ્રોલિંગ મિત્ર તરીકે રોબૉટ
આ રોબૉટનું નિર્માણ ચીની કંપની ક્લાઉડ માઇન્ડ્સ દ્વારા કરવામાં આવ્યું છે. આ રોબૉટ હોસ્પિટલમાં આવતા મુલાકાતીઓનું તાપમાન માપવામાં મદદ કરે છે, તેમને ઓળખવામાં મદદ કરે છે અને દર્દીઓ જે વિસ્તારમાં ફરેલા હોય તે વિસ્તારને સાફ કરવામાં પણ મદદ કરે છે.
ભારતમાં પણ રોબૉટિક્સ પર કામ ચાલી રહ્યું છે
આરોગ્ય ક્ષેત્રમાં રોબૉટિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે ભારતમાં પણ પ્રયોગો શરૂ કરાયા છે. આ રોબૉટ્સનો દર્દીઓને દવાઓ આપવામાં, હોસ્પિટલો સાફ કરવામાં, દર્દીને ભોજન આપવામાં અને શંકાસ્પદ વ્યક્તિ/દર્દીના શરીરનું તાપમાન માપવામાં મદદ કરશે.
રાજસ્થાનની રાજધાની જયપુરમાં સ્વામી માનસિંઘ હોસ્પિટલના કર્મચારીઓએ અસરગ્રસ્ત દર્દીઓને નિયમિત સમયાંતરે દવાઓ અને ભોજન આપવા જેવા કામો માટે રોબૉટ્સનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. સ્વામી માનસિંઘ હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
કેરળની સ્ટાર્ટઅપ ઓર્ગેનાઇઝેશન અસિમોવ રોબૉટિક્સે ત્રણ પૈડાંવાળો એક રોબૉટ તૈયાર કર્યો છે જે હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં રહેલા દર્દીઓને મદદ કરે છે.