પટનાઃ RJD પ્રમુખ લાલૂ પ્રસાદની મોટી પુત્રી મીસા અને રાજ્યસભાના સભ્ય મીસા ભારતીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, 'જે સવાલ પૂછશે, સાહેબ તેનાથી ભાગશે.' ભારત-ચીન સરહદ વિવાદ પર સર્વપક્ષીય બેઠકમાં આમંત્રણ નહીં મળતા RJD પક્ષમાં નારાજગી જોવા મળી હતી.
રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શુક્રવારે લદ્દાખમાં ચીન સાથે થયેલી હિંસક અથડામણ અંગે ચર્ચા કરવા બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં આમંત્રણ ન મળતા વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે બિહારની "સૌથી મોટી" પાર્ટીની અવગણના કરવામાં આવી છે. બિહાર વિધાનસભાના વિપક્ષી નેતા તેજસ્વી યાદવે નિરાશા વ્યક્ત કરી કે, સંસદમાં પાંચ સભ્યો હોવા છતાં અને બિહારનો સૌથી મોટો પક્ષ હોવા છતાં તેમની પાર્ટીની અવગણના કરવામાં આવી છે. તેજસ્વી યાદવે કહ્યું કે, 'અમે રક્ષાપ્રધાન રાજનાથ સિંહને પૂછવા માંગીએ છીએ અને તેઓ સ્પષ્ટ કરે આરજેડીને કેમ આમંત્રણ નથી અપાયું.'
રાજ્યસભામાં આરજેડી(RJD)ના 5 સભ્યો છે પરંતુ લોકસભામાં એક પણ સભ્ય નથી. આરજેડીના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભાના સભ્ય મનોજ ઝાએ ટ્વિટ કર્યું છે કે, તેલુગુ દેશમ પાર્ટી, અપના દલ, શિરોમણિ અકાલી દળ, સીપીઆઈનું ઉદાહરણ આપ્યું હતું. જેને આરજેડી કરતા ઓછા સાંસદ હોવા છતાં સર્વપક્ષીય બેઠકમાં આમંત્રણ અપાયું છે. આરજેડી શરૂઆતથી જ સ્પષ્ટ રીતે ભાજપ વિરોધી પાર્ટી રહી છે. આરજેડીના પ્રમુખ લાલુપ્રસાદની મોટી પુત્રી અને રાજ્યસભાના સભ્ય મીસા ભારતીએ એક ટ્વિટ શેર કર્યું છે કે, 'જે સવાલ પૂછશે, સાહેબ તેનાથી ભાગશે.'