આવી માગણીઓની કેન્દ્ર સરકારે ઉપેક્ષા જ કરી અને રાજ્યોને વેરાની આવક થઈ શકે તે માટે ગયા અઠવાડિયે દારૂની દુકાનો અમુક શરતો સાથે ખોલવાની મંજૂરી આપી. દોઢ મહિનો શરાબનું વેચાણ બંધ રહ્યું તેના કારણે રાજ્ય સરકારોની આવકમાં 30,000 કરોડ રૂપિયાનું ગાબડું પડ્યું હતું.
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટક જેવા રાજ્યોમાં કુલ આવકનો 20 ટકાથી વધારે હિસ્સો, જ્યારે પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, પંજાબ અને તેલંગાણા જેવા રાજ્યોની મહેસૂલનો 15થી 20 ટકા હિસ્સો દારૂના વેચાણ પર મળતી એક્સાઇઝને કારણે છે!
કેન્દ્ર કરતાં રાજ્ય સરકારો પર આર્થિક બોજ દોઢ ગણો વધારે પડ્યો છે, અને કર્મચારીઓની સંખ્યા પણ પાંચ ગણી વધારે છે. તેથી દાયકાઓથી રાજ્યો માટે દારૂના વેચાણમાંથી થતી આવક અગત્યની બની છે. કેન્દ્ર તરફથી આર્થિક સહાયના અભાવમાં એક પછી એક રાજ્યે દારૂની દુકાનોને ખોલવાનો નિર્ણય લઈ લીધો.
વધારાની આવક મેળવી લેવા માટે દિલ્હી સરકારે શરાબ પરનો ટેક્સ 70 ટકા વધારી દીધો. તેની પાછળ આંધ્ર પ્રદેશે 75 ટકા, તેલંગાણાએ 16 ટકા અને પશ્ચિમ બંગાળે 30 ટકા વધારો કરી દીધો.
દારૂની દુકાન ખૂલતા જ ત્યાં લાઈનો લાગી અને લાઈનો એટલે કેટલાય કિલોમિટર લાંબી. સ્ટોક હતો તે બધો જોતજોતામાં ખાલી થઈ ગયો. ડિસ્ટીલરીઝ તરફથી હવે માગણી થઈ છે કે તેમને ખોલવાની મંજૂરી આપવામાં આવે, જેથી પુરવઠો જળવાઈ રહે.
પરંતુ આ રીતે લૉકડાઉનના કારણે જે પણ થોડા સારા પરિણામો મળ્યો તે દારૂની દુકાનો ખોલીને નશામાં વહાવી દેવાનું રાજ્યોને કેમ સૂઝ્યું?
કડવી વાસ્તવિકતા એ છે કે કોરોના માટે હજીય કોઈ સારવાર કે રસી મળી નથી. દેશના 16 કરોડ લોકોને દારૂની લત લાગેલી છે, તે પણ એક રીતે કરોડો કુટુંબ માટે કાયમી આફત જેવી જ છે!
સપ્ટેમ્બર 2018માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે દારૂની લતના કારણે ભારતમાં દર વર્ષે 2,60,000 લોકોના અકાળે મોત થાય છે. દારૂના કારણે રોજ 712 લોકોના મોત થાય છે, પણ તેના કારણે રોજની 700 કરોડ રૂપિયાની આવક પણ સરકારોને થાય છે.
તબીબી નિષ્ણાતો કહે છે કે શરાબ સેવનના કારણે 230 પ્રકારના રોગ થાય છે, પણ સમાજશાસ્ત્રીઓને વધારે ચિંતા એ વાતની હોય છે કે તેના કારણે સ્ત્રીઓ અને બાળકોના જીવનમાં અશાંતિ પેદા થાય છે.
2004-05માં આલ્કોહોલ પરની એક્સાઇઝની આવક 28,000 કરોડ રૂપિયા હતી, તે હવે દસ ગણી વધી ગઈ છે. સાથે જ સામાજિક દૂષણો પણ એટલા જ વધ્યા છે. યુવા વિધવા અને અનાથ બાળકો તેના કારણે પેદા થાય છે તેનું મૂલ્ય કેવી રીતે આંકશું?
લૉકડાઉનના કારણે કુદરતના પાંચેય તત્ત્વો શુદ્ધ થઈ ગયા હતા અને પરિવારોને નશાબંધી થઈ તેનાથી પણ રાહત થઈ હતી. દારૂ ના મળવાને કારણે લત પણ છૂટી અને સ્વાસ્થ્યમાં સુધારો પણ દેખાવા લાગ્યો હતો. પરંતુ જેવી દારૂની દુકાનો ખૂલી કે બધું જ શરાબમાં વહી ગયું. લોકોએ ધક્કામુક્કી કરીને સોશ્યલ ડિસ્ટન્સિંગનો હેતુ ત્યાંને ત્યાં જ મારી નાખ્યો.
અન્ય બીમારીઓ ધરાવતા તથા હાયપરટેન્શનમાં હોય તેમને ચેપ લાગવાનું જોખમ વધારે હોય છે તેવી ચેતવણી તબીબો આપતા જ આવ્યા છે. તે વખતે લોકો નશામાં સાવધાની ભૂલી જાય તેવું આ પગલું કેમ ભરવામાં આવ્યું? કદાચ કોરોનાના સંકટ કરતાંય ઘરે ઘરે પહોંચેલો કેરેટબંધ દારૂ વધારે મોટું સંકટ પેદા કરવાનો છે!