23 જુલાઈ 1906ના રોજ અંગ્રેજોની હકૂમત ધરાવતા ભારતમાં એક વીર જવાને જન્મ લીધો હતો. મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં પંડિત સીતારામ તિવારીના ત્યાં ઈતિહાસની આ નામાંકિત હસ્તી ચંદ્રશેખર આઝાદનો જન્મ થયો હતો. આદિવાસી વિસ્તારમાં મોટા થઈ રહેલા આઝાદે ધનુષ-બાણ સાથે બાળપણથી જ મિત્રતા કરી લીધી હતી.
1919માં જલિયાવાલા બાગ નરસંહાર બાદ સન 1921માં ગાંધીજીના અસહયોગ આંદોલનની જાહેરાત સાથે જ આઝાદ ઉગ્રજોશ નવયુવાનોની જેમ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રથમ વાર જેલ અને અને 15 કોરડાની સજામાં દરેક કોરડાએ આઝાદના મુખેથી ઉંહકારાની બદલે નીકળ્યું 'વન્દે માતરમ્' અને 'મહાત્મા ગાંધીની જય'. આ ઘટના બાદ જ ચંદ્રશેખરના નામ પાછળ 'આઝાદ'નું સન્માન લાગ્યું હતું.
1922માં ચોરી ચોરાની ઘટના બાદ જ્યારે ગાંધીજીએ અસહયોગ આંદોલન પાછું ખેચ્યું હતું. ત્યારે આઝાદનો ગરમજોશ અન્ય યુવાનોની જેમ કોંગ્રેસથી મોહભંગ થઈ ગયો હતો. આ ક્ષણ મહત્વની ગણવામાં આવે છે. કારણ કે, આ બાદ 1924માં પંડિત રામપ્રસાદ બિસ્મીલ અને શચીન્દ્રનાથ સાન્યાલ અને યોગેશચન્દ્ર ચેટર્જીના નેતૃત્વવાળા ક્રાંતિકારીઓના 'હિન્દુસ્તાની પ્રજાતાંત્રિક સંઘ'માં આઝાદનો સમાવેશ થયો હતો.
ઘાતના પ્રત્યાઘાતની જેમ, આ ઘટનાએ પણ એક ઐતિહાસીક ઘટનાનું રંગમંચ તૈયાર કર્યું હતું અને તે ઘટના હતી 'કાકોરી ટ્રેન લૂંટ'. રામપ્રસાદ બિસ્મીલ અને આઝાદે ક્રાંતિકારી બંધુઓ સાથે મળી આ ઘટનાને અંજામ આપ્યો અને અંગ્રેજોને મૂળીયા ઢીલા કરી નાંખ્યા હતા. 17 ડિસેમ્બર, 1928ના દિવસે આઝાદ, ભગતસિંહ અને રાજગુરૂએ લાહોરમાં પોલીસ અધિક્ષક જે.પી.સાંડર્સની હત્યા કરી હતી અને લાહોર આખામાં પોસ્ટર્સ લગાવડાવ્યા હતા. જેમાં લખેલું હતું કે, "લાલા લજપતરાયની હત્યાનો બદલો લેવાઈ ગયો".
અંતે એક દિવસ એવો આવ્યો, જ્યારે આઝાદ પોતાના મિત્ર સુખદેવ રાજ સાથે ચર્ચા કરી રહ્યા હતા અને પોલીસે ચારે બાજુથી તેમને ઘેરી ગોળીઓ વરસાવવાની શરૂઆત કરી હતી. અંગ્રેજોની ગોળીથી મરવા કરતા આત્મહત્યા પસંદ કરનારા આઝાદે પિસ્તોલમાં વધેલી છેલ્લી ગોળી પોતાના લમણા પર મારી અને બોલ્યા 'વંદે માતરમ્'. 27 ફેબ્રુઆરી 1931ના રોજ પોતાને ગોળી મારી અંગ્રેજોના હાથે કદી ન પકડાવાનો વાયદો ચંદ્રશેખર આઝાદે પૂર્ણ કર્યો.