શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં કોરોના વાઇરસને લઇને લોકડાઉનના કારણે 5 મહિના બાદ પ્રશાસને તમામ ધાર્મિક સ્થળ ખોલવાની મંજૂરી આપી છે. જેને લઇને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે, પ્રશાસન સામે નિયમોનું પાલન કરાવવું પડકારજનક રહેશે.
આ પહેલા જમ્મુ કાશ્મીરના સચિવ રોહિત કંસલે ટ્વીટ કરી એલાન કર્યું હતું કે, 16 ઑગસ્ટ એટલે કે આજથી તમામ ધાર્મિક સ્થળ ફરીથી ખોલવામાં આવશે.
તમને જણાવી દઇએ કે, પાંચ મહિનાથી જમ્મુ કાશ્મીરના ધાર્મિક સ્થળો પર પાબંધી લગાવવામાં આવી હતી. જો કે, પ્રશાસને સિમિત સંખ્યા સાથે કાર્યક્રમનું આયોજન કરવાની અનુમતિ આપી છે.
ETV BHARAT સાથે શ્રીનગર મસ્જિદના પ્રબંધક સદસ્ય આસિમે કહ્યું કે, તેમણે સરકાર દ્વારા જાહેર કરેલા દિશા નિર્દેશને લાગૂ કરવા માટેની તૈયારી પૂર્ણ કરી લીધી છે. આ અંતર્ગત મર્યાદિત લોકોની સંખ્યામાં મસ્જિદની અંદર પ્રવેશ આપવામાં આવશે. આ સિવાય મસ્જિદમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન તેમજ બધા લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.