નવી દિલ્હીઃ રેલવે બોર્ડે કહ્યું કે, બધી નિયમિત મેલ, એક્સપ્રેસ અને યાત્રી ટ્રેન સેવાઓની સાથે ઉપનગરીય ટ્રેન સેવાઓ 12 ઓગસ્ટ સુધી રદ રહેશે. મળતી માહિતી મુજબ દેશમાં કોરોના વાઇરસના વધતા જતા કેસને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્પેશિયલ ટ્રેન ચાલશે. જે હેઠળ 12 મેથી રાજધાનીના માર્ગ પર ચાલી રહેલી 12 જોડી ટ્રેનો તથા એક જૂનથી ચાલી રહેલી 100 જોડી ટ્રેનો શરુ રહેશે. અધિકારીઓએ જણાવ્યું કે, જરૂરી સેવાઓમાં લાગેલા કર્મીઓની અવર-જવર માટે હાલમાં જ મુંબઇમાં સીમિત રીતે શરુ કરેલી વિશેષ ઉપનગરીય સેવા પણ શરુ રહેશે.
રેલવે બોર્ડના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, એક જૂલાઇથી 12 ઓગસ્ટની વચ્ચે પ્રવાસ માટે બધી નિયમિત ટ્રેનની બુક કરવામાં આવેલી ટિકીટ કેન્સલ કરવામાં આવી છે. બધી જ રકમ પરત કરવામાં આવશે. આ પહેલા રેલવેએ 30 જૂન સુધી બધી જ ટ્રેન રદ કરી હતી.
ભારતમાં કોરોના વાઇરસથી 4,73,105 લોકો સંક્રમિત થયા છે. દેશમાં 2,71,696 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. વાઇરસથી સંક્રમણને કારણે 14,894 લોકોના મોત થયા છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 17,000 નવા કેસ સામે આવ્યા છે.