નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે દિલ્હીમાં દારુની કિંમતોમાં સ્પેશિયલ કોરોના ફીઝ જોડીને લેવાના નિર્ણય પર રોક લગાવવાથી હાલ મનાઇ કરી છે. હાઇકોર્ટે સરકારને આ મામલે 19 જૂન સુધી વિસ્તૃત રિપોર્ટ આપવાનો નિર્દેશ આપ્યો છે.
દિલ્હી સરકારે કોરોના ફીઝને ગણાવી સાચી
આ મામલે દિલ્હી સરકારે કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું અને કહ્યું હતું કે દારૂના ભાવોમાં વિશેષ કોરોના ફી ઉમેરવાનો નિર્ણય યોગ્ય અને વૈધાનિક પગલું હતું. દિલ્હી સરકારે કહ્યું છે કે, કોઈ પણ નાગરિકને દારૂનો ધંધો કરવાનો કે સેવન કરવાનો અધિકાર નથી. દિલ્હી સરકારે કહ્યું છે કે, દારૂના વ્યવસાય અને તેના વપરાશને નિયંત્રિત કરવા માટે તેને અલગ અલગ ફી વસૂલવાનો વૈધાનિક અધિકાર છે. દિલ્હી આબકારી અધિનિયમની કલમ 26 અને 28 હેઠળ તેને કોઈ વિશેષ ફી વસૂલવાનો અધિકાર છે. દિલ્હી સરકારે કહ્યું છે કે, લોકડાઉનને કારણે સરકાર મહેસૂલ ગુમાવી રહી છે.
70 ટકા સ્પેશિયલ કોરોના લગાવાયો છે
ગત્ત 15 મેના રોજ હાઈ કોર્ટે દિલ્હી સરકારને નોટિસ ફટકારી હતી. આ અરજી વકીલ લલિત વાલેચા દ્વારા કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 4 મેના રોજ દિલ્હી સરકારે કોરોના ફીના રૂપમાં દારૂના ભાવમાં 70% વધારો કર્યો હતો. દિલ્હી સરકારનો આ આદેશ મનસ્વી અને કાયદાકીય નથી. દારૂની દુકાનો ખોલતા પહેલા વિશેષ કોરોના ફીની જાહેરાત કરવામાં આવી ન હતી. પરંતુ જ્યારે દારૂની દુકાનો પર મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી, ત્યારે ખાસ કોરોના ફી લાદવામાં આવી હતી.
સામાન્ય નાગરિક પર ભાર વધ્યો
આ પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે, 70 ટકા કોરોના ફી લાદવું એ સામાન્ય માણસ પર ભારે બોજ છે. સામાન્ય માણસ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હોય તેવી સ્થિતિમાં વિશેષ કોરોના ફી લેવી તે અન્યાય છે. અરજીમાં 4 મેના આ જાહેરનામું રદ કરવાની માંગ કરવામાં આવી છે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના ફી લાદવાનો હેતુ દારૂ વેચતા અટકાવવાનો નહોતો, પરંતુ આવક ખાતર હતો. દિલ્હી સરકાર દ્વારા તેની પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે વારંવાર સંકેત આપવામાં આવ્યા હતા.
દિલ્હી સરકારને અધિકાર નથી
આ અરજીમાં જણાવાયું છે કે, દિલ્હી સરકારને દિલ્હી આબકારી નિયમોમાં ફેરફાર કરવાનો કોઈ અધિકાર નથી. દિલ્હી સરકાર પાસે આવી વિશેષ ફી વસૂલવાનો કોઈ અધિકાર નથી. દિલ્હી સરકારે ટેક્સના અધિકારનો દુરૂપયોગ કર્યો છે.