મશીન લર્નિંગ અને સ્વાયત્તતા નવાં નથી, પરંતુ આ ક્ષેત્રે તાજેતરના ઘટનાક્રમોને કારણે એવી ઓટોમેટેડ સિસ્ટમ્સ વિકસાવી શકાય એમ છે, જેમાં અગાઉ ફક્ત માનવીય સમજશક્તિ અથવા મનુષ્યની દરમ્યાનગીરી દ્વારા જ ઉકેલાતી જટિલ સમસ્યાઓ અથવા કાર્યો, સ્વચાલિત રીતે ઉકેલી શકાશે.
સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્સ ઈન્સ્ટીટ્યુટ (સિપ્રિ)ના સિનિયર રિસર્ચર અને અહેવાલના મુખ્ય લેખક ડૉ. વિન્સેન્ટ બોલાનિને જણાવ્યું છે કે મહત્ત્વનો પ્રશ્ન એ નથી કે એઆઈના આ વિકાસનો લાભ લેવાશે કે નહીં, પરંતુ એ સવાલ મહત્ત્વનો છે કે એઆઈના આ તાજેતરના વિકાસનો પરમાણુ-સંબંધિત હેતુઓ માટે ક્યારે, કેવી રીતે અને કોના દ્વારા ઉપયોગ થશે. જોકે, આ તબક્કે આ સવાલોના જવાબ ફક્ત એક ધારણા જ હોઈ શકે છે. પરમાણુ શક્તિ ધરાવતા દેશો તેમના પરમાણુ કાફલામાં એઆઈની હાલની તેમજ ભવિષ્યની ભૂમિકા બાબતે પારદર્શી રહ્યા નથી. સંશોધનો દર્શાવે છે કે આ ક્ષેત્રમાં વિશ્વની આગેવાની કરવાની પ્રતિબદ્ધતા સાથે કોઈ પણ અપવાદ વિના પરમાણુ શક્તિ ધરાવતા તમામ દેશોએ એઆઈના લશ્કરી ઉપયોગને પ્રાથમિકતા આપી છે. અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે પરમાણુ શસ્ત્ર સંબંધિત ઉપયોગો માટે વિકસાવવામાં આવે અથવા કાર્યરત બનાવાય તે પહેલાં જ વ્યૂહાત્મક સંબંધો ઉપર આની નકારાત્મક અસર પડી શકે છે.
1. મિલિટરી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમય કરતાં પહેલાં અપનાવવાથી પરમાણુ જોખમ વધી શકે છે
લેખકોની દલીલ છે કે પરમાણુ શક્તિ ધરાવતા દેશો માટે સામાન્ય લશ્કરી હેતુઓ માટે અને ખાસ કરીને, પરમાણુ-સંબંધિત હેતુઓ માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં ઉતાવળ કરવી ડહાપણભર્યું નહીં ગણાય. એઆઈનો સમય કરતાં વહેલો ઉપયોગ પરમાણુ શસ્ત્રોનું તેમજ સંબંધિત ક્ષમતાઓનું જોખમ વધારે છે અને તે નિષ્ફળ નીવડી શકે છે અથવા તો તેનો કોઈ રીતે દુરુપયોગ થઈ શકાય છે, જે જોખમ અથવા પરમાણુ યુદ્ધમાં આકસ્મિક રીતે અથવા અજાણતા વધારો કરી શકે છે.
સિપ્રિના શસ્ત્ર અને નિઃશસ્ત્રીકરણના એસોસીએટ સિનિયર ફેલો ડૉ. લોરા સાલમન જણાવે છે કે એઆઈ ટેકનોલોજીસ - જે સક્ષમ છે - તે પરમાણુ શસ્ત્રના ઉપયોગ માટેની ચાવી બને તેવી સંભાવના નથી. એઆઈ ટેકનોલોજી કટોકટી કે પરમાણુ સ્તરે કેવી રીતે જોખમ વધારી શકે છે તે સમજતી વખતે સ્થાનિક પ્રવાહો, ભૂરાજકીય તણાવો અને ખોટી રીતે અર્થઘટન કરાયેલા સંકેતોને પણ ધ્યાન ઉપર લેવાં જોઈએ. અહેવાલમાં ભલામણ કરવામાં આવી છે કે રાષ્ટ્રીય સ્તરના એઆઈ સંબંધિત ઘટનાક્રમો બાબતે પારદર્શકતા અને વિશ્વાસ-નિર્માણનાં પગલાં આ પ્રકારનાં જોખમો ઘટાડવામાં મદદરૂપ થશે.
2. ભવિષ્યનું પરમાણુ જોખમ ઘટાડવાના પ્રયાસોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના પડકારોને ધ્યાન ઉપર લેવા પડશે
અહેવાલના લેખકોના જણાવ્યા મુજબ, પરમાણુ જોખમ ઘટાડવા માટેની ભવિષ્યની વાતચીતોમાં પરમાણુ ક્ષેત્રે એઆઈના પડકારોને પ્રાથમિકતા આપવી જોઈએ.
સિપ્રિના પરમાણુ નિઃશસ્ત્રીકરણ, શસ્ત્ર નિયંત્રણ અને બિન-પ્રસાર કાર્યક્રમના સિનિયર રિસર્ચર ડૉ. પેટર ટોપિશ્કાનોવે જણાવ્યું કે વ્યૂહાત્મક સ્થિરતા અને પરમાણુ જોખમ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ખતરાને વધુ પડતો ન અંદાજીએ તે મહત્ત્વનું છે. જોકે, આપણે કશું જ નહીં કરીને આ જોખમને ઓછું પણ ગણવું જોઈએ નહીં.
ટોપિશ્કાનોવે જણાવ્યું કે એઆઈ-સંબંધિત જોખમો ઉપરની વાતચતી હજી નવી અને અટકળો આધારિત છે. પરમાણુ શક્તિ ધરાવતા દેશો અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા સમુદાય માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો પરમાણુ શસ્ત્રોની સિસ્ટમ્સ માટે કરતાા ઉપયોગથી ઊભા થનારા જોખમો ઘટાડવા માટે તેમજ શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટેના ઉપાયો શોધવાનો સમય પાકી ગયો છે.
અહેવાલમાં પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશો માટે અનેક પગલાં સૂચવાયા છે, જેમ કે મૂળભૂત એઆઈ સલામતિ અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે સહયોગ, શસ્ત્ર નિયંત્રણ માટે એઆઈના ઉપયોગનું સંયુક્તપણે અન્વેષણ તેમજ પરમાણુ કાફલામાં એઆઈના ઉપયોગની ઠોસ મર્યાદા ઉપર સહમતિ.