ન્યૂઝ ડેસ્કઃ આર. ગાંધી કમિટિએ થોડા વર્ષો પહેલાં રિઝર્વ બેંકને સૂચન કર્યું હતું કે તેણે કો-ઓપરેટિવ બેંકોના કૌભાંડોનો અંત લાવવા અને તેઓના વહિવટમાં સુધારા લાવવા પહેલ કરવી જોઇએ, તેમ છતાં આજદિન સુધી આ બાબતમાં પગલાં લેવા કેન્દ્ર સરકાર હજુ ઠાગાઠૈયા કરી રહી છે. ગત વર્ષે પંજાબ-મહારાષ્ટ્ર કો-ઓપરેચિવ (પીએમસી) બેંકમાંથી બહાર આવેલા રૂ. 11,614 કરોડના નાંણાકીય કૌભાંડથી આખો દેશ હચમચી ગયો હતો, કેમ કે આ બેંકમાં દેશના સાત રાજ્યોના 9 લાખ થાપણદારોની ડિપોઝીટો પડેલી હતી. કો-ઓપરેટિવ બેંકિંગ સેક્ટરમાં લોકોના વિશ્વાસને વધુ મજબૂત કરવા કેન્દ્ર સરકારે તાજેતરમાં બેંકિંગ રેગ્યુલેશન (અમેન્ડમેન્ટ) બિલ પસાર કરાવ્યું હતું. દેશના વિવિધ રાજ્યોમાં આવેલી વિવિધ પ્રકારની 58 સ્ટેટ કોઓપરેટિવ બેંકો અને શહેરી વિસ્તારોમાં આવેલી 1482 કો-ઓપરેટિવ બેંકોમાં કુલ ડિપોઝીટરોની સંખ્યા 8.6 કરોડ જેટલી છે, અને કો-ઓપરેટિવ બેંકોમાં રોકાણ કરાયેલી કુલ રકમ રૂ. 5 લાખ કરોડ જેટલી છે. નાણાંમંત્રીએ કહ્યું હતું કે શહેરી વિસ્તારોમાં આવેલી 277 જેટલી કો-ઓપરેટિવ બેંકોની નાણાંકીય તંદુરસ્તી ઘણી જ નબળી છે. 105 જેટલી બેંકો તો કાયદા અનુસાર રોકાણના લક્ષ્યાંકને પણ હાંસલ કરી શકી નહોતી જ્યારે 328 જેટલી બેંકોમાં કુલ નોન પર્ફોમિંગ એસેટ (એનપીએ) 15 ટકા જેટલા ઉંચા સ્તરે પહોંચી ગઇ હતી.
કો-ઓપરેટિવ બેંકોના વહિવટમાં વ્યાવસાયિકપણું લાવવા ઇચ્છતી, મૂડી પ્રાપ્ત કરવા નવા નવા માર્ગો શોધી કાઢતી, મેનેજમેન્ટમાં આમૂલ સુધારા કરવા માંગતી અને ડિપોઝીટરોના હિતોનું રક્ષણ કરવાનો આશય ધરાવતી કેન્દ્ર સરકારે કો-ઓપરેટિબ બેંકો ઉપર ચાંપતી દેખરેખ રાખવા માટે રિઝર્વ બેંકને માર્ગ મોકળો કરી આપ્યો હતો. મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોના ફેડરેશને જાહેરાત કરી હતી કે કો-ઓપરિવ બેંકોની સ્વાયત્તા અને પ્રત્યેક સભ્ય દીઠ એક જ મત આપવાના સમાન મતાધિકારને કેન્દ્ર સરકારે સ્વિકારી લીધો તે બાબતે તેઓ ખુબ જ સંતુષ્ઠ છે, પરંતુ રિઝર્વ બેંકની દેખરેખ હેઠળ પરિસ્થિતિમાં સુધારો આવશે એવી જે આશા છે તે હજુ વાસ્તવિકતાથી ઘણી છેટી હોય તેમ પૂરવાર થઇ રહ્યું છે.
કૌભાંડગ્રસ્ત પીએમસી બેંકને રિઝર્વ બેંકના સીધા નિરિક્ષણમાં લાવ્યાના એક વર્ષ બાદ પણ આ બેંકના ડિપોઝિટરોની હાલત આજની તારીખે પણ બાઇ બાઇ ચાયણી જેવી થઇ ગઇ છે. મજાની વાત તો એ છે કે રિઝર્વ બેંકના કર્મચારીઓ દ્વારા સંચાલિત કો-ઓપરેટિવ બેંકોના રૂ. 200 કરોડની જંગી રકમ કો-ઓપરેટિવ બેંકોમાં ફસાયેલી છે તેથી હવે એવી જબરજસ્ત મૂંઝવણ પેદા થઇ ગઇ છે કે આ સ્થિતિને કેવી રીતે થાળે પાડવી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 1935માં અસ્તિત્વમાં આવી અને 1947માં દેશને સ્વતંત્રતા મળી, ત્યાં સુધી તો સેંકડો બેંકોએ પોતાની નાદુરસ્ત નાણાંકીય પરિસ્થિતિ ઉજાગર કરી દીધી હતી. અત્યાર સુધીના રેકોર્ડ દર્શાવે છે કે 1947 થી 1969ના સમયગાળા વચ્ચે 665 બેંકો અને 1969 થી 2019 વચ્ચેના સમય દરમ્યાન વધુ 37 બેંકો સંપૂર્ણપણે ઉઠી ગઇ હતી. કો-ઓપરેટિવ બેંકો ઉપર નિરિક્ષણ રાખવાની અને તેનું નિયમન કરવાની રિઝર્વ બેંક પાસે સંપૂર્ણ સત્તા હોવા છતાં સંખ્યાબંધ એવા પૂરાવા છે જે સાબિત કરે છે કે રિઝર્વ બેંક કો-ઓપરેટિવ બેંકોની નિષ્ફળતાને રોકવામાં સરિયામ નિષ્ફળ પૂરવાર થઇ હતી. નબળી નાંણાંકીય હાલત ધરાવતી કો-ઓપરેટિવ બેંકોને નાણાંકીય. રીતે મજબૂત એવી જાહેર ક્ષેત્રની બેંકોમાં ભેળવી દઇ પોતાની જવાબદારીમાંથી હાથ ખેંખેરી લેતી રિઝર્વ બેંક જ્યારે જાહેર ક્ષેત્રની બેંકોમાં સંખ્યાબંધ કૌભાંડો થાય છે ત્યારે નિઃસહાય થઇને આખી પરિસ્થિતિને જોઈ રહે છે. માર્ચ-2018ના અંતે જાહેર ક્ષેત્રોની બેંકોની નોન પર્ફોમિંગ એસેટ (એનપીએ)ની રકમનો આંક રૂ. 9.61 લાખ કરોડ ઉપર પહોંચી ગયો હતો તેનો ઉલ્લેખ કરતાં CAG રાજીવ મહર્ષિએ પ્રશ્ન કર્યો હતો કે આ કટોકટી માટે રિઝર્વ બેંક જવાબદાર છે કે નહીં? તેમના આ પ્રશ્નથી ચકચાર મચી જવા પામી હતી. જાહેર ક્ષેત્રની બેંકોમાં થયેલા મસમોટા કોભાંડોનું દૃષ્ટાંત આપતા ઓડિટર જનરલ શશીકાંત શર્માએ કહ્યું હતું કે રિઝર્વ બેંકે વાસ્તવમાં બે વર્ષ અગાઉ ઓડિટ કરવું જોઇતું હતું. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની આર્થિક રીતે નબળી બેંકોને ટેકો કરવા રૂ. 3.5 લાખ કરોડની તોતિંગ રકમ આપી હતી. જાહેર ક્ષેત્રની બેંકોમાં થયેલા મસમોટા કોભાંડોને શોધી કાઢવામાં જે રીત પાંચ વર્ષનો લાંબો સમય લાગ્યો એ જ પૂરવાર કરે છે કે રિઝર્વ બેંકનું પ્રોફેશનલિઝમ કેવું છે અને તેની નિરિક્ષણ કરવાની ક્ષમતા કેવી છે, તેથી રિઝર્વ બેંક અત્યંત આકરા પગલાં લે અને ધરખમ સુધારા અમલમાં મૂકે તે તેના માટે આજના સમયની તાતી માંગ છે.