નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સંસદથી એ સ્પષ્ટ સંદેશો છે કે સમગ્ર દેશ સીમા પર તૈનાત લોકો સાથે ઉભો છે. પીએમના આ નિવેદનને ચીનના સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે. તેમજ આજે સંસદમાં રાજનાથ સિંહ ભારત-ચીન તણાવને લઈ નિવેદન આપી શકે છે. સંસદિય સુત્રો તરફથી આ જાણકારી મળી છે.
હકિકતમાં પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે ભારત અને ચીની સૈનિકો વચ્ચે ચાલી રહેલા તણાવને લઈ વિપક્ષ દળોએ સરકારને ઘેરી હતી. એવામાં માનવામાં આવી રહ્યું છે કે કોરોના મહામારી વચ્ચે વિશેષ વ્યવસ્થા સાથે આયોજિત કરવામાં આવેલા સંસદના ચોમાસુ સત્રમાં રક્ષાપ્રધાન રાજનાથ સિંહ નિવેદન આપી શકે છે.
વિપક્ષ દ્વારા આ મુદ્દા પર ચર્ચા કરવા માંગ કરવામાં આવી છે. એવામાં રાજનાથ સિંહનું આ મુદ્દે નિવેદન આપવું મહત્વનું રહેશે.
તાજેતરમાં જ રાજનાથ સિંહે મોસ્કોમાં ચીનના રક્ષા પ્રધાન વેઈ ફિંગહે સાથે મુલાકાત કરી હતી. તેમજ વિદેશ પ્રધાન એસ. જયશકંરે પણ તેમની સાથે મુલાકાત કરી હતી.