હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019 માટે ભાજપના સ્ટારપ્રચારકોની રેલીઓ અને સભાઓ થઈ રહી છે. રવિવારે રક્ષાપ્રધાન રાજનાથસિંહે સોનીપત જિલ્લામાં જનસભાને સંબોધન કર્યું હતું. રાજનાથસિંહે પાકિસ્તાનની સાથે વિપક્ષ કોંગ્રેસને પણ આડે હાથ લીધું હતું.
રાજનાથસિંહે પોતાના ભાષણમાં પાકિસ્તાનને બે વખત ચેતવણી આપી હતી. એમણે કહ્યું, પાકિસ્તાન ઈમાનદારીથી આતંકવાદ વિરૂદ્ધ લડવા માગશે તો ભારત મદદ કરવા માટે તૈયાર છે. રાજનાથસિંહે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું, કટ્ટરપંથી શક્તિઓ વિરૂદ્ધ લડવાની તાકત ભારત પાસે છે.
વોટ બેન્ક માટે કોંગ્રેસે 370ની કલમ દૂર ન કરી
રાજનાથસિંહે પોતાના સંબોધનમાં જમ્મુ-કાશ્મીરથી કલમ 370 અને 35એ નાબુદ કરવાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, અમે જે વચન આપ્યું તું એ પૂર્ણ કરી બતાવ્યું. કોંગ્રેસ પોતાની વોટ બેન્ક જાળવી રાખવા માટે કલમ 370 નાબુદ કરતી નહોતી.
દેશમાં એક સંવિધાન, એક વિધાન, એક નિશાન
રાજનાથસિંહે પોતાના સંબોધનમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ કરવા અંગે કહ્યું કે, કાશ્મીરમાં પાકિસ્તાન વારંવાર હસ્તક્ષેપ કરતું હતું. આતંકવાદીઓ પાકિસ્તાનમાંથી આવતા હતા, પરંતુ વડાપ્રધાન મોદીએ નિર્ણય લીધો. જે અમે કહીંએ તે કરીને બતાવીએ છીંએ. હવે ભારતમાં બે વિધાન અને બે સંવિધાન નહીં પરંતુ એક સંવિધાન, એક વિધાન અને એક નિશાન છે.
આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાન એકલું
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ચેતવણી આપતા કહ્યું કે, કાશ્મીરની સમસ્યા અંગે તે આંતરરાષ્ટ્રીય મંચ પર અવાજ ઉઠાવશે. પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પણ સમજે છે કે, કાશ્મીર ભારતનો આંતરીક મુદ્દો છે. પાકિસ્તાનને હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈનું સમર્થન મળતું નથી.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને સૂચન આપતા કહ્યું કે, જિન્નાએ બે રાષ્ટ્રના સિદ્ધાંતને લઇને ભારતના બે ટુકડા કરી નાંખ્યા, જેનું પરિણામ એ આવ્યું કે, 1971 આવતાં-આવતાં પાકિસ્તાનના ખુદના બે ટુકડા થઇ ગયા અને છતાં જો પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહીત કરશે તો આ સહન નહીં થાય.
પાકિસ્તાનના ફરી થશે ટુકડા
જો પાકિસ્તાન આતંકવાદ વિરૂદ્ધ ભારત પાસેથી મદદ માગશે તો ભારત આપશે, પરંતુ જો તે આતંકવાદને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે તો પાકિસ્તાનને વેર-વિખેર થતાં દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે. હાલ તો પાકિસ્તાનના બે ટુકડા થયા છે પણ હવે પાકિસ્તાના 10 ટુકડા થશે કે 5 તે કહેવું મુશ્કેલ છે.
રાફેલ પૂજા પર રાજનાથસિંહની પ્રતિક્રિયા
રાજનાથસિંહે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે, કોંગ્રેસ કારણ વિના વિરોધ કરે છે. વિપક્ષમાં રહીને અમારા નેતા અટલ બિહારી વાજપેયીએ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના દેશહિતમાં કરવામાં આવેલા કામોની પ્રસંસા સંસદમાં કરી હતી.
હું દેશ માટે રાફેલ લઇને આવ્યો છું. મેં રાફેલની પૂજા કરી હતી પરંતુ કોંગ્રેસને એમાં પણ વાંધો પડ્યો. મારા માટે દેશના દરેક જવાનની જિંદગી મારી પોતાની જિંદગીથી વધુ કિમતી છે.