હોસ્પિટલમાં બાળકોના મૃત્યુંનો આંકડો છેલ્લા 33 દિવસોમાં 104 પર પહોંચી ગયો છે. તો છેલ્લા 2 દિવસોમાં પણ 4 નવજાત બાળકોના મોત જેકે લોન હોસ્પિટલમાં થયા છે. બાળકો નિયોનેટલ ICU અને FBNCમાં દાખલ છે.
તો બીજીતરફ પ્રદેશની કોંગ્રેસ સરકાર અને મુખ્ય પ્રધાન અશોક ગેહલોત ભાજપના નિશાના પર છે. સમગ્ર મુદ્દાને લઈને ચારેય તરફથી સરકાર ઘેરાઈ છે. એવામાં હવે સરકાર ડિફેન્સિવ પગલા ઉઠાવતા ચિકિત્સા પ્રધાન રઘુ શર્મા અને કોટાના પ્રભારી અને પરિવહન પ્રધાન પ્રતાપ સિંહ ખાચરિયાવાસને કોટા પર મોકલ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જેકે લોન હોસ્પિટલમાં 104 નવજાત બાળકોના મોત પછી હવે ગહલોત સરકારની ઉંઘ ઉડી છે. ઘણાં દિવસોથી ટ્વિટર અને મીડિયામાં સરકારના બચાવમાં નિવેદન આપતા રાજ્યના સ્વાસ્થય પ્રધાન રઘુ શર્મા અંતે આજે કોટા સ્થિતિ જોવા જવાના છે. ડોક્ટર્સની ટીમ અને ચિકિત્સા વિભાગના અધિકારી સાથે સમીક્ષા બેઠક કરવાના છે. કેન્દ્રના નિર્દેશ પર સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની 5 સભ્યોની ટીમ કોટાની મુલાકાત લેશે.
નવા નર્સિંગ કર્મીની નિયુક્ત કરાશે...
હોસ્પિટલ મેનેજમેન્ટે સાત નર્સિંગ કર્મચારીઓને હટાવી 19 ને નવી નિમણૂંક કરી છે. તેમજ હોસ્પિટલમાં ઓક્સિજન લાઇન નાખવાનું કામ પણ NICU અને FBNCમાં શરૂ થઈ ગયું છે. આ સાથે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની વિનંતી પર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ જેકે લોન હોસ્પિટલમાં નવા ઉપકરણો પૂરા પાડવાની વાત કરી છે.