ગુજરાતમાં બોર્ડની પરીક્ષાનો માહોલ છવાયેલો છે. હાલ ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ છે, ત્યારે સરકાર PUBG ગેમને લઇ સર્તક બની છે. ગુજરાતમાં રાજકોટ, જામનગર, વડોદરા અને મહીસાગરમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં PUBG ગેમ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
રાજકોટમાં પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પણ PUBG ગેમ પર રોક લગાવવામાં આવી છે. જેમાં પોલીસ દ્વારા અલગ-અલગ જગ્યાએ શાળા-કોલેજોની બહાર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 9 ઇસમો ઝડપાયા હતાં. આ ઇસમમાંથી 5 જેટલા વિદ્યાર્થીઓ હતા.
ઉલ્લેખનીય છે કે, પરીક્ષાના માહોલ દરમિયાન વિદ્યાર્થીના ભવિષ્ય પર કોઇ અસર ન થાય તે માટે PUBG ગેમ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જામનગર શહેરમાં સલામતી અને સુરક્ષાને ધ્યાને લઇ નવા કાયદાની સ્થિતિ જળવાઇ રહે તે માટે PUBG ગેમ પર પ્રતિબંધ લાગતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું.
તેમજ મહીસાગરમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ સને 1973ની કલમ 144 તથા ગુજરાત પોલીસ એક્ટ કલમ 37(3) હેઠળ મળેલી સતા આધારે PUBG ગેમ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે