બેંગ્લુરૂ: કર્ણાટકના હુબલીમાં એક ખાનગી એન્જિનિયરિંગ કૉલેજના 3 વિદ્યાર્થીઓ પર રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરવા બદલ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ અંગે રવિવારે માહિતી આપી હતી.
હુબલીના પોલીસ કમિશ્નર રામાસ્વામી દિલીપે કહ્યું કે, ત્રણેયની ઓળખ આમિર, બાસિત અને તાલિબ તરીકે કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓ કાશ્મીરના શોપિયા જિલ્લાના રહેવાસી છે. તેમના પર ભારતીય દંડ સંહિતાની કલમ 124 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કલમ રાજ્ય વિરૂદ્ધના અપરાધો સાથે જોડાયેલી છે.
દિલીપે ફરિયાદના આધારે કહ્યું કે, શુક્રવારે પુલવામાં હુમલાના શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે કૉલેજમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામેલ થવાના બદલે વિદ્યાર્થીઓ હૉસ્ટેલમાં પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરી વીડિયો બનાવી રહ્યાં હતા.
શનિવારે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવાથી આચાર્યને ઘટના અંગે જાણકારી મળી હતી. દિલીપે કહ્યું કે, આચાર્યનો વીડિયો જોયા બાદ તેના કામ પર સવાલ ઉઠવાથી કૉલેજના ત્રણેય વિદ્યાર્થીઓને ઇન્સ્ટિટ્યૂટમાંથી બાકી તપાસ સુધી રસ્ટીકેટ કરી દીધા છે.
પાકિસ્તાન તરફી અને ભારત વિરોધી નારા લગાવવા બદલ વિદ્યાર્થીઓની નિંદા કરતા રાજ્યના ઉદ્યોગ પ્રધાન જગદીશ શેટ્ટારે કહ્યું કે, સરકાર આ પ્રકારની રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સહન કરશે નહીં.