નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરશે અને કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે 21 દિવસના લૉકડાઉનને આગળ વધારવું કે કેમ તે અંગ ચર્ચા કરીને નિર્ણય લેશે.
આ વીડિયો કોન્ફરન્સમાં દેશના ઘણા રાજ્યોમાં ઝડપથી ફેલાતા કોરોના વાઇરસને રોકવા માટે 21 દિવસના લૉકડાઉનને વધારવાની ચર્ચા થઇ શકે છે.
બુધવારે સંસદમાં પ્રતિનિધિત્વ ધરાવતા વિવિધ પક્ષોના નેતાઓને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે, 14 એપ્રિલે એક જ વારમાં લૉકડાઉન પુરૂં થશે નહીં. હાલ સરકારની પ્રાધાન્યતા દરેક લોકોનું જીવન બચાવવાની છે.
એક સત્તાવાર નિવેદન અનુસાર તેમણે જણાવ્યું હતું કે, રાજ્યો, જિલ્લા વહીવટી અને નિષ્ણાંતોએ વાઇરસના ફેલાવાને અટકાવવા માટે લૉકડાઉનને લંબાવવાનું સૂચન કર્યું છે.
ઓડિશાએ આ લૉકડાઉનને 30 એપ્રિલ સુધી વધાર્યું છે.
આ બીજી વખત છે, જ્યારે વડા પ્રધાન લૉકડાઉન બાદ મુખ્ય પ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરશે.
આ પહેલા 2જી એપ્રિલે મુખ્ય પ્રધાનો સાથેની વાતચીતમાં મોદીએ ચાલુ લૉકડાઉનમાંથી બહાર નીકળવાની તૈયારી દર્શાવી હતી.
આરોગ્ય મંત્રાલયની અપડેટ મુજબ ભારતમાં કોવિડ 19ને કારણે મૃત્યુઆંક વધીને 199 થયો છે અને કોરોના વાઇરસના પોઝિટિવ કેસોની સંખ્યા 6,412 પર પહોંચી છે.