મનાલી : દેશને વધુ એક ગર્વનો અવસર મળશે. જેની ખૂબ જ લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે અટલ સુરંગ બનીને તૈયાર થઈ ગયું છે. જે આગામી મહિનામાં પીએમ મોદી દેશને સમર્પિત કરશે.
હિમાલયની પીર -પંજાલ રેન્જમાં 10 હજાર ફીટથી વઘુ ઉંચાઈ પર નિર્મિત આ વિશ્વની સૌથી લાંબી અને અત્યાધુનિક ટ્રાફિક ટનલ હશે. લેહ-મનાલીને જોડનાર આ સુરંગનું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયની સ્મૃતિમાં અટલ રોહતાંગ સુરંગ (અટલ ટનલ ) રાખવામાં આવ્યું છે.
સુરંગની ઉપર સેરી નદીનું પાણી જળાશયમાં ભેગું કરવામાં આવશે. આ કારણે સુરંગ બનાવવામાં 4000 કરોડ રુપિયાનો ખર્ચ થયો છે. આ યોજનાને પૂર્ણ કરવામાં અંદાજે 5 વર્ષનો વિલંબ થયો છે. પરંતુ દેર આયે-દુરસ્ત આયેની આ કહેવતની જેમ હવે આ ટનલ દેશના મુકુટમાં શોભા બનવા જઈ રહી છે.
બીઆરઓની સુરંગના નિર્માણની જવાબદારી હતી
8.8 કિલોમીટર લાંબી આ સુંરગનું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO)ની જવાબદારી હતી. જે શરુ થવાથી હવે તમામ સીઝનમાં લાહૌલ અને સ્પીતિ ખીણના સુદૂર વિસ્તારોમાં સંપર્ક રહશે. સુરંગ બહારથી જેટલી મજબુત છે એટલી જ અંદરથી પણ સુરક્ષિત અને સુવિધાજનક છે. સુરંગની અંદર સીસીટીવી કેમેરા, લાઈટ સેવિંગ સેન્સર સિસ્ટમ, પ્રદૂષણને રોકવા માટેની સિસ્ટમ,ઑક્સીજન લેવલની સ્થિર રાખવા માટે બંન્ને છેડે હાઈ-કૈપેસિટી વિન્ડ ટરબાઈન સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે.
આ સુરંગમાં નિશ્ચિત અંતર પર અગ્નિશમન યંત્ર અને કમ્યુનિકેટર લગાવવામાં આવ્યા છે. કોઈ દુર્ધટનાની સ્થિતિમાં સુરંગમાં વાહનોનો પ્રવેશ બંધ કરી આગ પર જલ્દી કાબુ મેળવી શકાશે. આગ અથવા અન્ય કોઈ ઈમરજન્સીમાં મુશ્કેલીના સમયમાં પણ યોગ્ય રસ્તા માટે મુખ્ય ફલોર રસ્તાની નીચે એક વૈકલ્પિક સુંરગ પણ બનાવવામાં આવી છે. જે મુખ્ય સુરંગની જેમ 8.8 કિલોમીટર લાંબી છે.બચાવ સુરંગ સુધી પહોંચવા માટે મુખ્ય સુરંગમાં રસ્તો બનાવવામાં આવ્યો છે.
સુરંગની લાઈટ સિસ્ટમ એ રીતે છે કે, વાહનો એક નજીક આવતા જ લાઈટ ઓટોમેટિક ચાલુ થશે અને પસાર થયા બાદ લાઈટ બંધ થશે. સુરંગ બહાર નિકળતા જ નોર્થ પોર્ટલમાં બૌદ્ધ શૈલીનું સ્વાગત દ્વાર બાદ ચંદ્રા નદી પર બનેલા પુલને પાર કરતા જ રસ્તો મનાલી-લેહ માર્ગ સાથે જોડાશે.
એક કલાકના પ્રવાસ બાદ પ્રવાસીઓ કેલંગ અને અંદાજે 9 થી 10 કલાકમાં લેહ પહોંચશે. સુરંગ બનાવવાથી લાહૌલ અને લદ્દાખ જવા માટે રોહતાંગ જુના રસ્તા પર જવાની જરુર રહેશે નહી, જેનાથી મનાલી અને લેહ વચ્ચે અંદાજે 46 કિલોમીટરનું અંતર ઓછું થઈ જશે.
તમામ સીઝનમાં સુરંગ સ્ટ્રક્ચરની અંદરથી વાહન સુરક્ષિત રીતે પસાર થશે. લાહૌલ ઘાટી બરફવર્ષાને કારણે લાહૌલ ખીણ 6 મહિના સુધી અવર-જવર બંધ થાય છે. સુરંગ બનવાથી હવે સંપર્ક ટુટશે નહીં, હવે વિજળીની લાઈન પણ સુરંગની અંદરથી જવાથી વિજળી પણ ગુલ થશે નહી.
આ સુરંગ શિયાળામાં પણ ખુલ્લી રહેશે, જોકે હજુ તેને મનાલી અને કેલંગને જોડવાવાળા રોડને હિમસ્ખલનથી બચાવવાનો બાકી છે. આ માટે સ્નો એન્ડ એવલાંચ સ્ટડી એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા એવલાંચ પ્રોટેક્શન સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યા છે.
આ સુરંગના સ્ટ્રક્ચરના કારણે કોઈપણ ઋતુમાં વાહનો અંદરથી પસાર થઈ જશે. જ્યારે હિમખંડ, પુર અને પથ્થર જેવી તમામ આફતો આ સુરંગની ઉપરથી પસાર થઈ જશે પણ અંદર વાહનોને નુકસાન થશે નહીં.આ સુરંગ બનાવવાનો નિર્ણય 3 જુન 2000ના અટલ બિહારી વાજપાયીની સરકારે લીધો હતો. 2003માં અટલજીએ શિલાન્યાસ કર્યું હતુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર મહિનામાં આ સુરંગના ઉદ્ધાટન માટે મનાલી આવશે.